ગુજરાત
News of Saturday, 27th November 2021

સુરત ડાયમંડ બુર્સના છઠ્ઠા માળે રોપ-વેનો ઝુલો તૂટ્યો ત્રણ મજૂરો નીચે પટકાયા : યુપીના શ્રમિકનું કરૂણમોત

યુપીમાં રહેતા પત્ની અને ત્રણ સંતાનોને જીવલાલના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું

સુરતમાં ડાયમંડ બુર્સના છઠ્ઠા માળે રોપ-વેનો ઝૂલો તૂટ્તા કામ કરી રહેલા ત્રણ મજૂરો જમીન પર પટકાયા હતા. જેથી તેઓને ઈજા થતા સારવાર માટે તાતત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું હતું. આ બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

અનિલકુમાર ચેરોએ જણાવ્યું હતું કે તેઓ PSP કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરે છે. જીવલાલ એક મહિના પહેલા જ વતન યુપીથી સુરત આવ્યો હતો. બિલ્ડિંગને બહારથી પ્લાયવુડ ફિનિસિંગ આપવાનું કામ ચાલી રહ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના બપોરે 12:15 વાગે બની હતી. જીવલાલ, સતેન્દ્ર અને ઉપેન્દ્ર ચૌધરી ત્રણ કારીગરો રોપ-વેના ઝુલામાં બેસી છઠ્ઠા માળે કામ કરી રહ્યા હતા. હવામાં લટકીને કામ કરતી વેળાએ અચાનક ઝુલો તૂટી પડતા ત્રણેય કારીગરો નીચે પટકાયા હતા. ઘટનાને નજરે જોનાર તમામ કારીગરો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહીના ખાબોચિયામાં પડેલા ત્રણેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ જીવલાલનું મોત નીપજ્યું હતું. યુપીમાં રહેતા પત્ની અને ત્રણ સંતાનોને જીવલાલના મોતના સમાચાર મળતા આખું પરિવાર શોકમાં સરી પડ્યું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

(7:07 pm IST)