ગુજરાત
News of Saturday, 27th November 2021

કામરેજના ખોલવડ ગામે લગ્નપ્રસંગમાં મંડપ મામલે બે જૂથ વચ્ચે ઘર્ષણ : ટોળાનો હુમલો : બે પોલીસને ઇજા

ઝઘડામાં પોલીસ વચ્ચે પડતા ટોળાએ લોખંડના પાઇપ, સળિયા અને લાકડીના સપાટા વડે હુમલો કરતા બે પોલીસકર્મીને ઇજા પોલીસે હુમલો કરનારા 13 જણા સામે નામજોગ ફરિયાદ નોંધી

સુરતના કામરેજના ખોલવડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં મંડપ મામલે બે જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં ટોળાએ પોલીસ પર હુમલો કરતા બે પોલીસ જવાનને ઇજા પહોંચી છે ટોળાએ લોખંડના સળિયા અને લાકડીના સપાટા વડે હુમલો કરતા બે પોલીસકર્મીને ઇજા પહોંચી છે,પોલીસે હુમલો કરનારા 13 જણા સામે નામજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.    મળતી વિગત મુજબ કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેમત નગરમાં રહેતી ફાતેમા નૈની મજીદખાન પઠાણને ત્યાં લગ્ન પ્રસંગ હોય લગ્ન મંડપ બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઝપાઝપી થયાની જાણ કામરેજ પોલીસને થતા ખોલવડ બીટના જમાદાર હે.કો.હેમંત ઈશ્વર પરમાર તેના સ્ટાફ પો.કો. વિષ્ણુ ચોથાભાઈ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં ફાતેમાબેનના ઘર પાસે ટોળું અંદરોઅંદર ઝઘડી રહ્યું હતું. આથી બંને પોલીસકર્મી છોડાવવા માટે જતા ભેગા થયેલા માણસોએ અમારી બંને પક્ષો વચ્ચે લડાઈ છે તેમ તમો શું કામ વચ્ચે પડો છો અહીં થી જતા રહો એમ કહી ત્યાં ઉપસ્થિત ટોળામાંના કેટલાક લોકોએ આ પોલીસને મારો એવી બુમાબુમ કરતા દસથી પંદર શખ્સો ત્યાં લોખંડના પાઇપ, સળિયા, લાકડી લઈને પોલીસકર્મીઓને મારવા દોડી આવ્યા હતા.જેમાં બચાવમાં પડેલા શશિકાન્તભાઈને પગના ભાગે સપાટો મારતા તમને ઇજા પહોંચી હતી. સુજીત વસાવા નામના શખ્સે પથ્થરમારો કરતા હેડ કોન્સ્ટેબલ હેમંતને કાનના ભાગે પથ્થર વાગ્યો હતો. અન્ય શખ્સોએ પોલીસકર્મીઓને ઘેરી માર મારવા લાગ્યા હતા. ત્યારે શશીકાંત ભાઈ અને તેમના મિત્રોએ બચાવી બંને પોલીસકર્મીઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે 13 વ્યક્તિઓની ઓળખ કરી તેમની સામે નામજોગ ફરિયાદ કરી તેમની અટક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 

પોલીસે નિલેશ રાજુ વસાવા ,વિપુલ સોમભાઈ ગામીત,શિવમ ફકીર વસાવા,વિશાલ ફકીર વસાવા,સુજીત જેસિંગ વસાવા ,રાહુલ રાજુ વસાવા,મનીષ ઝાલા ,લાલુ ઉર્ફે ઇમરાન અમીર વસાવા ,અબુ અમીર વસાવા ,જાવેદ ઉર્ફે નૈની મજીદખાન પઠાણ,આલુ ઉર્ફે આરીફ ,ફાતેમા જાવેદ ઉર્ફે નૈની મજીદખાન પઠાણ,જુલેખા બીબી( તમામ રહે આર.કે.કોલોની, ખોલવડ, તા. કામરેજ) સામે ગુન્હો નોંધ્યો છે

(10:13 pm IST)