ગુજરાત
News of Sunday, 27th November 2022

કોંગ્રેસે ભાજપના સંકલ્પ પત્રને ધોખા પત્ર ગણાવ્યો : આયુષ્યમાન યોજનાને ચેન્જ કરવાનો અધિકાર કેન્દ્ર પાસે છે, તમારી પાસે નથી

આલોક શર્માએ કહ્યુ- ભાજપ કહે છે 19 નવી યૂનિવર્સિટી બની ,અમે પૂછીએ છીએ એક સરકારી યૂનિવર્સિટીનું નામ જણાવી દો. 6 હજાર સ્કૂલ બંધ થઇ, અમે કહ્યુ 3 હજાર નવી સરકારી સ્કૂલ ખોલીશુ, તમે એક પણ સરકારી સ્કૂલોનો દાવો નથી કર્યો

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. ભાજપના સંકલ્પ પત્ર પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ પત્રકાર પરિષદ કરીને ભાજપના સંકલ્પ પત્રને ધોખા પત્ર ગણાવ્યો હતો.

આલોક શર્માએ ભાજપ પર પ્રહાર કરતા સૌથી પહેલા શિક્ષણની વાત કરી હતી. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યુ કે, અમે કહ્યુ યુજીથી-પીજી સુધી મફત શિક્ષણ આપીશુ, આમને નકલ તો કરી પણ તે ભૂલી ગયા કે ગત મેનિફેસ્ટોમાં પણ આ જ લખ્યુ હતુ કે યુવતીઓને મફત શિક્ષણ આપીશું. તમે કેટલી યુવતીઓને મફત શિક્ષણ આપ્યુ. અમારી પાસે જે આંકડા છે તેમાં 6 હજાર કરતા વધુ સ્કૂલ બંધ કરી દીધી. અમે કહ્યુ અંગ્રેજી માધ્યમમાં 3 હજાર સ્કૂલ ખોલીશુ તો તમે કહ્યુ 20 હજાર સ્કૂલોનું અપગ્રેડેશન કરીશુ અને તેમાં 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીશુ. અમે કેલ્કુલેશન કર્યુ કે 20 હજાર સ્કૂલમાં 10 હજાર કરોડ છે તો એક સ્કૂલ પર કેટલો ખર્ચ થશે, 6 લાખ રૂપિયા ખર્ચ થાય છે, ભાજપ વાળાને પૂછો કે 6 લાખમાં તો એકથી દોઢ રૂમ બને છે તમે સ્કૂલનું અપગ્રેડેશન કેવી રીતે કરી નાખશો. અમે એટલા માટે કહીએ છીએ કે તમે લોકોને છેતરો છો.

આલોક શર્માએ કહ્યુ- ભાજપ કહે છે 19 નવી યૂનિવર્સિટી બની છે, અમે પૂછીએ છીએ એક સરકારી યૂનિવર્સિટીનું નામ જણાવી દો. 6 હજાર સ્કૂલ બંધ થઇ, અમે કહ્યુ 3 હજાર નવી સરકારી સ્કૂલ ખોલીશુ, તમે એક પણ સરકારી સ્કૂલોનો દાવો નથી કર્યો. તમને તો ‘હમ દો હમારા દો’ની ચિંતા છે પ્રાઇવેટાઇજેશન કરવુ છે.

સ્વાસ્થ્ય અંગે ભાજપના સંકલ્પ પત્ર પર વાત કરતા કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યુ કે, વડાપ્રધાનની આયુષ્યમાન યોજના 5 લાખ સુધીની હતી. કોંગ્રેસે કહ્યુ 10 લાખ સુધીનો વીમા કરીશુ અને 10 લાખ મફત હેલ્થની યોજના આપીશુ તો તમે ગભરાયા અને તુરંત 10 લાખ કરી નાખ્યા. આ ભૂલી ગયા કે આયુષ્યમાન યોજનાને ચેન્જ કરવાનો અધિકાર તો કેન્દ્ર સરકાર પાસે છે, તમારી પાસે નથી. આટલી ઉતાવળમાં કેમ છો, કોરોનામાં ઓક્સીજન આપી શક્યા નથી. અમે કહ્યુ, કોરોનામાં જે મૃતક છે તેમના પરિવારજનોને 4 લાખ રૂપિયા આપીશુ. તમે તેનો ઉલ્લેખ જ કર્યો નથી. અમે કહ્યુ મફત દવા આપીશુ, તમે દવા વિશે કોઇ શબ્દ બોલ્યા નથી.

રોજગાર અંગે વાત કરતા કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યુ કે, અમે વિચારી રહ્યા હતા કે 22 પેપર ફૂટ્યા હતા પણ કોઇ તપાસની વાત કરશો પણ કોઇ તપાસ નહી થાય. 2 કરોડ પહેલા જ રોજગાર આપી દીધા હતા. આ વખતે 5 વર્ષમાં 20 લાખ રોજગાર આપશો, સરકારી કે પ્રાઇવેટમાં ક્યા આપશો તેનો કોઇ ઉલ્લેખ નથી. આ ધોખા પત્ર છે.

વધુમાં કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, આ ઘોષણાપત્ર છે કે બજેટની કોપી. આ ધોખાની પ્લાનિંગ કરીને મેદાનમાં ઉતર્યા છે. સરકાર આવશે તો જ કરોડોની ફાળવણી કરશે. આ વખતે ચાલાકીથી એમાઉન્ટ નાખ્યા છે કે જનતા કન્ફ્યૂઝ થઇ જાય. 5 વર્ષમાં 1 લાખ મહિલાઓને સરકારી નોકરી આપીશુ. અમે પૂછી રહ્યા છીએ કે છેલ્લા 5 વર્ષમાં કેટલી આપી તેનું વ્હાઇટ પેપર લઇને આવો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં થોડા સમય પહેલા 12 લાખ અરજી આવી હતી. ગુજરાતની જનતાને છેતરવાનું બંધ કરો

(11:39 pm IST)