ગુજરાત
News of Thursday, 27th January 2022

મહેસાણા :પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગૌરવાંકિત ક્ષણ : એક જ મંચ પરથી પિતા અને પુત્રીનાં સન્માન

પુત્રીને તરણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ, પિતા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક: મહાનુભાવોના હસ્તે સન્માન : પરિચિતો આનંદવિભોર

મહેસાણા નજીક ફ્રેન્ડસ સ્પોર્ટસ ક્લબ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન એક જ સ્ટેજ ઉપરથી પિતા અને પુત્રીનાં સન્માન કરવામાં આવ્યાં હતાં.પુત્રી પ્રિષા પ્રજાપતિએ ખેલ મહાકુંભ, સ્કૂલ ગેમ અને ફેડરેસન સહિતની સ્વિમીંગ સ્પર્ધામાં મેડલોની હારમાળાઓ સર્જી હતી. ચાલુ વર્ષે તેણીએ રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે પ્રિશાના પિતા અને જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના વ્યાયામ શિક્ષક વિનોદભાઈ પ્રજાપતિને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક મળ્યું હતું.

સાર્વજનિક વિદ્યાલયની છાત્રા અને શિક્ષકે મહેસાણાનું ગૌરવ વધાર્યું છે. પ્રજાસત્તાક પર્વે અન્ય મહાનુભાવો સાથે પિતા-પુત્રીન પણ સન્માનિત કરાયાં હતાં. એક જ સ્ટેજ ઉપરથી રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એક જ પરિવારનાં બે સભ્યો સન્માનિત કરતાં વણીકર ક્લબ, શાળા અને પ્રજાપતિ સમાજે ગૌરવની લાગણી અનુભવી હતી.

(12:19 am IST)