ગુજરાત
News of Thursday, 27th January 2022

અમદાવાદ મનપા સંચાલિત એએમટીએસનું કુલ રૂ.536.14 કરોડનું બજેટ મંજુર

નવી બસો મૂકવાથી માંડી સિનિયર સિટીઝનોને ટ્રાન્સપોર્ટ સેવામાં વધુ રાહત આપવા અને સ્કૂલના વિદ્યાર્થીઓને પણ બસોમા ફ્રી પાસની સગવડ સહિતના મુદ્દાઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસના વર્ષ 2022-2023નું કુલ રૂ.536.14 કરોડનું બજેટ આજે સત્તાધારી પક્ષ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂપિયા 529.14 કરોડના બજેટમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂપિયા સાત કરોડના સુધારા સૂચવવામાં આવ્યા હતા. જેમાં નવી બસો મૂકવાથી માંડી સિનિયર સિટીઝનોને ટ્રાન્સપોર્ટ સેવામાં વધુ રાહત આપવા તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ બસોમા ફ્રી પાસની સગવડ સહિતના મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. જોકે, આજના બજેટને ચૂંટણીલક્ષી જાહેરાત હેઠળ આવરવાનો શાસક પક્ષનો પ્રયાસ નોંધનીય રહ્યો છે.

આજના બજેટમાં એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલ દ્વારા કોરોના કાળ દરમિયાન સ્કૂલમાં ભણતા જે બાળકોના વાલીઓ એટલે કે માતા પિતા મૃત્યુ પામેલ હોય તેવા બાળકોને વર્ષ દરમિયાન વિદ્યાર્થી કન્સેશનનો લાભ આપવાનું જાહેર કરાયું હતું.

આ જ પ્રકારે ભારત સરકારના ડિજીટલ ઇન્ડિયાના ઝુંબેશના ભાગરૂપે બીઆરટીએસના ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે પણ પેટીએમ એપ દ્વારા ક્યુ આર કોડ જનરેટ કરી ડિજિટલ ટિકિટિંગ કરવાનું પણ બજેટમાં મહત્વનો નિર્ણય લેવાયો છે એમ આજે એએમટીએસના ચેરમેન વલ્લભભાઈ પટેલ જણાવ્યું હતું.

એએમટીએસના ચેરમેન વલ્લભભાઈ પટેલે બજેટની મહત્વની વાતો રજૂ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરનો વિસ્તાર 466 કિલોમીટરથી વધીને 480.88 ચોરસ કિલોમીટર થયેલ છે. આગામી દિવસોમાં ભાજપના શાસનમાં એમટીએસ પરિવહન સેવાનો વ્યાપ વધારીને કુલ 938 બસો પૈકી અંદાજે 900 બસો ઓનરોડ કરીને શહેરીજનોને વધુમાં વધુ કાર્યક્ષમ સેવા મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવશે એવો તેમણે દાવો કર્યો હતો.

તેમણે બજેટની મહત્વની બાબતો જણાવતાં ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની પોતાની માલિકીની 50 બસો 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી લેવાનું ઠરાવવામાં આવ્યું છે. આ વધારાની 50 બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલ સરદાર પટેલ રિંગ રોડ પર જરૂરિયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવામાં આવશે. જે ચલાવવા માટે ઘટતી રકમ રાજ્ય સરકાર પાસેથી વી.જી.એફ મેળવી સરભર કરવામાં આવશે. આ સિવાય 450 જેટલી નવી બસો મેળવીને હાલના સમય પત્રકમાં સુધારો કરી વધુમાં વધુ ફ્રિકવન્સી પૂરી પાડવાનું આયોજન કરવામાં આવશે.

તેમણે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોના કાળ દરમ્યાન સ્કૂલમાં ભણતાં જે બાળકોના વાલીઓ એટલે કે માતા પિતા મૃત્યુ પામેલ હોય તેવા બાળકોને વર્ષ દરમિયાન વિદ્યાર્થી કનેકશનનો ફ્રી-પાસ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. વધુમાં હાલમાં શહેરમાં વસતા 75 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને એએમટીએસની બસોમાં મુસાફરી કરવા માટે ફ્રી પાસ ની સગવડ આપવામાં આવે છે તથા 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને 50 ટકા ટિકિટમાં રાહત આપવામાં આવે છે તેમાંથી સુધારો કરીને 75 ના બદલે હવે 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનોને બસનો ફ્રી પાસ નો લાભ આપવાનો કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં આવવા-જવા માટે એએમટીએસની બસોમાં ફ્રી પાસ ની સગવડ આપવામાં આવશે.

એએમટીએસના ચેરમેન વલ્લભભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે જમાલપુર ખાતે આવેલ ઓફિસ બિલ્ડીંગ તથા ડેપોમાં તેમજ અન્ય જગ્યાએ સોલર પેનલ લગાવવા માટે 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ કરોડની ફાળવણી આવી છે. આ સિવાય પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત એએમટીએસના તમામ કાયમી કર્મચારીઓના નજીવા દરે માસિક રૂપિયા એક લેખે પગારમાંથી વસૂલ લઈ વીમો લેવાનું ઠરાવવામાં આવ્યું છે.

સાથે સાથે શહેરના ડેકોરેટિવ શેલ્ટરો પૈકી 100 શેલ્ટરોને સ્ટીલના બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બે કરોડ ફાળવવામાં આવે છે. આ જ પ્રકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવરંગપુરા બસ ટર્મિનસ વિકસાવવા માટે રૂપિયા એક કરોડ ફાળવવામાં આવે છે. જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા ટર્મિનસમાં આર.સી.સી રોડ બનાવવા માટે રૂપિયા એક કરોડ ફાળવવામાં આવે છે. ઉપરાંત એએમટીએસના હાટકેશ્વર ડેપો પર સ્ટાફ તથા પબ્લિક માટે અમ્યુકો ના ધોરણે પે એન્ડ યુઝ ટોયલેટની સુવિધા આપવા માટે ઠરાવવામાં આવે છે.

બજેટ અંગે શું કહે છે કોંગ્રેસ ?

વિરોધપક્ષ નેતા શહેજાદખાન પઠાણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, વી.એસ. હોસ્પિટલના સને 2022-23ના વર્ષનું 184.83 કરોડના બજેટને સત્તાધારી ભાજપ દ્વારા મંજુર કરવામાં આવેલ છે ત્યારે વી.એસ. હોસ્પિટલ બંધ કરવા બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા ખુબ જ પ્રયત્નો કર્યા બાદ વી.એસ. હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા આપેલ ઉગ્ર લડતના પરિણામે હવે ભાજપના સત્તાધીશોને બ્રહમજ્ઞાન લાધ્યું કે રૂ. 700 કરોડના ખર્ચે બનેલ એસ.વી.પી હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગ માટે ઉપયોગી નથી તેથી વી.એસ. હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ચલાવવી જરૂરી જ નહી પરંતુ અનિવાર્ય પણ છે. તેથી રૂા. 700 કરોડના ખર્ચે બનેલ એસ.વી. પી હોસ્પિટલ સત્તાધારી ભાજપની સદંતર નિષ્ફળતા સાબિત કરે છે

એ.એમ.ટી.એસની કમિટી દ્વારા મંજુર કરાયેલ રૂા. 536 કરોડમાં અગાઉ જાહેર કરેલ 1000 નવી બસો લેવા બાબતે કોઈ જ કાર્યવાહી કરેલ નથી અને પ્રજાજનો પરિવહન સેવાનો પુરતો લાભ લઈ શક્યાં નથી તેમજ આવકમાં કોઈ ખાસ વધારો પણ મેળવી શક્યાં નથી તેમજ ગત બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીને કારણે એ.એમ.ટી.એસ.ની બસો બંધ હોવા છતાં ખાનગી બસોના કોન્ટ્રાકટરોને 30 % રકમ કેમ ચુકવવામાં આવી તે સમજાતું નથી તેમજ એ.એમ.ટી.એસ.ના વર્ષનો ખર્ચ રૂા. 536 કરોડ છે તેની સામે આવક માત્ર રૂા. 90 કરોડ જ છે તથા વર્ષોથી એ.એમ.ટી.એસની -પ્રતિદિન ખોટમાં વધારો થતો રહે છે તેમજ ખોટમાં ધટાડો કરવા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નહી હોવાથી એ.એમ.ટી.એસ.નો વહીવટ ખાડે ગયેલ છે જે ભાજપની વહીવટી અણઆવડત સાબિત કરે છે.

(12:41 am IST)