ગુજરાત
News of Saturday, 28th May 2022

સુરતના વરાછામાં મુસાફરોના સ્વાંગમાં ઓટોરિક્ષામાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

રૂપિયા 5.67 લાખની ચોરી બાદ બીજા ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસે આરોપીઓને દબોચી લીધા

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની પત્ની ગઈકાલે ઘરેથી રોકડ રૂપિયા તથા દાગીના મળી કુલ 5.67 લાખની મત્તા લઇ પિયરમાં જવા નીકળી હતી. આ દરમિયાન ઓટો રીક્ષામાં તેને ચોર  ટોળકી ભેટી ગઈ હતી.

ચોર લોકોએ રિક્ષાને સ્ટેશન વિસ્તારમાં ગોળ ગોળ ફેરવી મહિલાની નજર ચૂકવી બેગમાં રહેલ રોકડા રૂપિયા તથા ડોક્યુમેન્ટ અને દાગીના મળી 5.67 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર મહિલાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આ ટોળકીને ઝડપી પાડી હતી.

વરાછા ઉમરવાડા ખાતે આવેલ સ્મીમેર હોસ્પિટલમાં રહેતા જીગ્નેશભાઈ કોસંબીયા સ્મીમેર હોસ્પિટલમાં જ નર્સીંગ વિભાગમાં ફરજ બજાવે છે. કામરેજના આંબોલી ગામમાં જીગ્નેશભાઈના પત્ની નીલાબેનના મામા નું ઘર આવેલું છે. ગતરોજ ત્યાં ભાણેજના લગ્ન પ્રસંગ હોવાને કારણે નીલાબેન તથા જીગ્નેશભાઈ અને તેની પુત્રી ત્રણેયના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાના હતા.

જોકે નીલાબેનનું પિયર લસકાણા વિસ્તારમાં આવેલ હોવાથી તેઓ ગત રોજ ઘરેથી બપોરે પોણા એક વાગ્યાના અરસામાં લસકાણા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન લગ્ન પ્રસંગમાં પહેરવા માટે ઘરમાંથી તમામ દાગીના પણ બેગમાં લઇ તેઓ લસકાણા જવા માટે એક ઓટો રીક્ષામાં બેઠા હતા. જે ઓટો રીક્ષામાં પહેલેથી જ એક 40 થી 45 વર્ષનો યુવક તથા બે મહિલાઓ બેસેલા હતા.

જેઓએ સ્મીમેર હોસ્પિટલ તથા વરાછા ખાંડા બજાર ગરનાળાની આજુબાજુમાં ઓટો રીક્ષા ફેરવી તેમના બેગમાં રહેલ 5.67 લાખના દાગીના તથા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે લીલાબેને તાત્કાલિક પતિ જીગ્નેશને જાણ કરી વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વરાછા પોલીસે તાત્કાલિક આ ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આ ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે રીઝવાન રસીદ ઇસ્માઇલ શાહ (રહે. અરવિંદ પેલેસ, ત્રીજા માળે ગોવિંદનગર મારૂતીનગર ની સામે લીંબાયત), વનાબાઇ શીવા સંકીદર પાત્ર (રહે. ઘર નં 57, રીધ્ધી રોનહાઉસ, ગંગાધર એપાર્મેન્ટ કારેલી ગામ તા. બારડોલી), મમતા રાજેન્દ્ર દુર્યોધન શેંડેને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ તથા ઓટો રીક્ષા (જીજે.05.એઝેડ.8273) મળી કુલ 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:49 pm IST)