ગુજરાત
News of Wednesday, 28th July 2021

વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓઃ ધોરણ ૧થી ૮ના વર્ગો શરૂ કરવા તૈયારી

કોરોનાના કેસની ઘટતી સંખ્યાને જોઈને રાજય સરકાર કરી રહી છે વિચારઃ ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

અમદાવાદ, તા.૨૮: રાજયમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મહામારી પણ અત્યારે નિયંત્રણમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આગામી દિવસોમાં શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. ધોરણ ૬ થી ૮ પછી ધોરણ ૧થી ૭ માટેના નિર્ણય પણ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે ધોરણ ૯ થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી હતી.

રાજય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે અને ત્રીજી લહેરની સ્થિતિ નહીં સર્જાય તો સરકાર પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓનો ઓફલાઈન અભ્યાસ ઓગષ્ટથી શરુ કરવાનો વિચાર ધરાવે છે. આ શકયતાઓ વિષે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, અમે આગામી થોડા દિવસોમાં ધોરણ છથી આઠના વર્ગો શરુ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. જો કોરોનાના કેસમાં વધારો નહીં નોંધાય તો ધોરણ એકથી પાંચના વર્ગો પણ ઓગષ્ટના અંત સુધી શરુ કરી દેવામાં આવશે. અમે દૈનિક આંકડાઓને ધ્યાનમાં રાખીએ છીએ અને કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને કલાસરુમમાં શિક્ષણની શરુઆત કરવામાં આવશે. તેના માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.તેમણે આગળ જણાવ્યું કે, સરકારે ધોરણ ૯ થી ૧૨ના વર્ગો અને કોલેજોના ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. અમને સારો સહકાર મળી રહ્યો છે. આવનારા દિવસોમાં તબક્કાવાર રીતે ધોરણ છથી આઠ અને ધોરણ એકથી સાતના વર્ગો પણ શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર પછી રાજય સરકારે શાળાઓ અને કોલેજો શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બીજી લહેર શરુ થઈ જવાને કારણે તે બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં રાજય સરકારે પહેલા કોલેજો શરુ કરવાની મંજૂરી આપી, ત્યારપછી ધોરણ ૯ થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી હતી. આ બાબત સાથે સંબંધ ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, રાજય સરકારનો વિચાર ૧૫મી ઓગષ્ટ પહેલા ધોરણ ૬ થી ૮ના વર્ગો શરુ કરવાનો છે અને મહિનાના અંત સુધીમાં અન્ય વર્ગો શરુ કરવામાં આવશે.

(10:37 am IST)