ગુજરાત
News of Friday, 28th August 2020

મોડ-૨ પીએસઆઇ અંગે ચાલી રહેલી સ્પેશિયલ લિવ પિટિશનમાં

હાઇકોર્ટમાં ગુજરાત ગોૈણ સેવા મંડળની એફિડેવિટથી બાવન પીએસઆઇ નાપાસઃ ફરી કોન્સ્ટેબલ બનવું પડે તેવી સ્થિતિ

૨૦૧૫-૧૬માં પરિક્ષા લેવાઇ હતીઃ ૨૦૧૭માં પરિણામ જાહેર થયું હતું: ૭૦ લોકોએ પિટિશન કરી હતી તેમાંથી ૮ પાસ થયાઃ ૨૦૧૮થી પીએસઆઇનું પોસ્ટીંગ મેળવનારા બાવનની હાલત કફોડીઃ પોલીસ અને ગૃહવિભાગને ઝટકોઃ ક્રમ અનુસાર ૧૨ પ્રશ્નોના જવાબ આપવાના હતાં, છતાં અમુકે ૧૫ના જવાબો આપી દીધા હતાં: પેપર ચેકરે આ ૧૫માંથી જે ૧૨ સાચા હતાં તેના માર્કસ આપી દીધા'તાઃ આ સામે અમુક ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો

અમદાવાદ તા. ૨૮: મોડ-૨ની પીએસઆઇની પરિક્ષામાં  પાસ થયેલા પૈકીના ૫૨ (બાવન) પીએસઆઇના પેપરોનું પુનઃ મુલ્યાંકન થતાં ગુજરાત ગોૈણ સેવા મંડળે હાઇકોર્ટમાં એફિડેવિટ કરતાં આ બાવન પીએસઆઇ નાપાસ જાહેર થતાં ચકચાર જાગી છે. આ કારણે ૨૦૧૮થી પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહેલા બાવન કર્મચારીઓને ફરીથી કોન્સ્ટેબલ બનવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસની ડીવીઝન બેન્ચમાં મોડ-૨ પીએસઆઈ અંગે ચાલી રહેલી સ્પેશિયલ લિવ પિટિશનમાં ગુજરાત ગૌણ સેવા મંડળે આજે પરીક્ષા પેપર ચકાસણીના પુનઃમુલ્યાંકન અંગે એફિડેવિટ રજુ કર્યું હતું. જેમાં અગાઉ પાસ ૩૭૬ પીએસઆઈમાંથી ૫૨ (બાવન) પીએસઆઈ પુનઃમૂલ્યાંકનમાં ગેરલાયક ઠર્યા છે, અને જે ૭૦ લોકોએ પિટિશન કરી હતી તેમાંથી ૮ ઉમેદવાર પાસ જાહેર થયા છે. ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ તરીકે ખાતાકીય બઢતી મેળવવા માંગતા કર્મચારીઓ માટે મોડ ૨ એકઝામનું ૨૦૧૫-૧૬માં આયોજન થયું અને પરીક્ષા લેવાઇ હતી. જેનું પરિણામ ૨૦૧૭માં જાહેર થયું.

આ લેખિત પરીક્ષાની જવાબદારી ગૌણ સેવા મંડળને સોંપાઈ હતી. જેમાં ૩૭૬ ઉમેદવારો કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ તરીકે સફળ રહ્યા હતા. તેઓએ ૨૦૧૮માં ટ્રેનિંગ પુરી કરીને પોસ્ટિંગ પર આવ્યા હતા. જોકે આ મામલે મેઈન એકઝામમાં ઈંગ્લિશ અને ગુજરાતી પેપરમાં વ્યાકરણના કુલ પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નોના જવાબ લખવા અને તે જ જવાબ ક્રમ મુજબ ચેક કરી માકર્સ મુકાશે તેવી સૂચના હતી. ઉદાહરણ તરીકે (૧૫ પ્રશ્નમાંથી ૧૨ના જવાબ આપવા, ૧૨ જ જવાબ ક્રમ મુજબ ચેક થશે. જો કે અમુક ઉમેદવારે ૧૫ પ્રશ્નોના જવાબ આપ્યા અને પેપર ચેકરે તે ઉમેદવારને જે સાચા જવાબ હતા તેના માર્કસ આપી દીધા હતાં. મતલબ ક્રમ મુજબ ૧૨ પ્રશ્નના જવાબ ચેક કરી માર્કસ આપ્યા નહોતા.)

આ બાબતે અમુક ઉમેદવારે વાંધો ઉઠાવી હાઇકોર્ટની સિંગલ બેચમાં રિટ કરી હતી જોકે સિંગલ બેંચે તે અપીલ ફગાવી દીધી હતી.

આથી ડિવિઝન બેન્ચમાં અમુક ઉમેદવારો અપીલમાં ગયા હતા. ચીફ જસ્ટિસની બેન્ચમાં ચાલી રહેલી આ સ્પેશિયલ લિવ પિટિશનની સુનાવણીમાં ગૌણ સેવાએ આ અંગે તેઓ પુનઃમુલ્યાંકન કરશે તેવો જવાબ આપ્યો હતો. દરમિયાનમાં હવે પુનઃમુલ્યાંકન કર્યાની એફિડેવિટ ગૌણ સેવાએ હાઈકોર્ટમાં કરી છે. જેમાં જણાવ્યું હતું કે, ૩૭૬ ઉમેદવાર પીએસઆઈ તરીકે અગાઉ પરીક્ષા પ્રક્રીયામાં લાયક ઠર્યા તેમાંથી પુનઃ મુલ્યાંનનમાં ૫૨ ઉમેદવાર નાપાસ થયા છે. જયારે જે ૭૦ લોકોએ પિટિશન કરી હતી તેમાંથી આઠ ઉમેદવાર પાસ થયા છે. અમુક નવા નામો પણ ઉમેરાયા છે.

આથી હવે ૨૦૧૮માં પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મેળવી નોકરી કરતા ૫૨ પીએસઆઈને ફરી કોન્સ્ટેબલ તરીકે નોકરીમાં પરત ફરવું પડે તેવી સ્થિતિ આ એફિડેવિટથી ઉદભવી છે. જોકે આગળ હવે હાઈકોર્ટ આ મામલે ગૌણસેવાની રજુઆત મુજબ આ પિટિશનનો એફિડેવિટ આધારે નિકાલ કરશે કે અન્ય નિર્ણય લેશે તે જોવાનું રહ્યું છે.

ગુજરાત ગૌણ સેવાએ હાઈકોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. એફિડેવિટ રજૂ કર્યા બાદ ગુજરાત ગૌણ સેવાની કામગીરી તથા તટસ્થા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. જયારે આ એફિડેવિટે પોલીસ વિભાગ તથા રાજય ગૃહ વિભાગની ઉંઘ ઉડાવી દીધી છે.

(11:19 am IST)