ગુજરાત
News of Friday, 28th August 2020

JEE-NEETની પરીક્ષા મામલે કોંગ્રેસનું રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન

રાજયના અનેક શહેરોમાં ધરણા-સુત્રોચ્ચાર સાથે કોંગી કાર્યકરો રસ્તા ઉપર ઉતરી ગયાઃ અમિત ચાવડાએ કહ્યું પરીક્ષા લેવી જરૂરી પણ વિદ્યાર્થીઓના જીવથી વધારે જરૂરી નથી

અમદાવાદ : JEE અને NEETની પરીક્ષા મામલે કોંગ્રેસ દ્વારા રાજયવ્યાપી વિરોધ કરાયો છે. જેઇઇ અને નીટની પરીક્ષાઓ મોકુફ રાખવાની માંગ સાથે આજે રાજયના અમદાવાદ, સુરત સહિત મુખ્ય શહેરોમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી ગયા હતા. દરમિયાન સુપ્રીમ કોર્ટે  તાજેતરમાં જ આ બંને પરીક્ષા પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટએ યૂજીસીના નિર્ણયને બરકરાર રાખતાં કહ્યું છે કે અંતિમ વર્ષની પરીક્ષાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી યોજવામાં આવે. કોર્ટે કહ્યું કે, રાજય અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર સ્ટુડન્ટ્સને પ્રમોટ ન કરી શકે. 

 અમદાવાદ ખાતે NEET અને JEEનો વિરોધ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, 'કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે પરીક્ષા લેવી જરૂરી છે પરંતુ વિદ્યાર્થીઓના જીવથી વધારે જરૂરી નથી. પીએમ મોદીએ પોતાના મનની વાત કરી હતી, જેને દેશના લોકોએ સાંભળી હતી. હવે વિદ્યાર્થીઓ પોતાના મનની વાત કરી રહ્યા છે તેને તંત્ર સાંભળવા માટે તૈયાર નથી. કોંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓના મનની વાતને સમર્થન કરે છે. કોંગ્રેસ પાર્ટી સરકારને વિનંતી કરે છે કે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. અમે પરીક્ષા લેવાની ના નથી કહી રહ્યા પરંતુ હાલ તેને મોકૂફ રાખવાની માંગ કરીએ છીએ. જેથી વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ન ઊભું થાય.

 કોંગ્રેસ પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 'ખુદ ભારત સરકાર એવું કહી રહી છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે પરીક્ષા યોજવી યોગ્ય નથી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણા સૌની ફરજ છે. શાળા-કોલેજો અને શિક્ષણ કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ ડરના માર્યા પરીક્ષા આપશે તો તેને તેની મહેનતનું યોગ્ય પરિણામ નહીં મળે. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે યોગ્ય વાતાવરણ હોવું જરૂરી છે. આ મામલે તમામે શાંતિથી વિચારવાની જરૂર છે.

 ઉલ્લેખનીય છે કે JEE મેઇન પહેલી સપ્ટેમ્બરથી છઠ્ઠી સપ્ટેમ્બર અને NEETના પરીક્ષા ૧૩મી સપ્ટમ્બરના રોજ યોજાશે. આ માટે એડમિટ કાર્ડ પણ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી ૯૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લીધા છે. આ વર્ષે આશરે ૯.૫૩ લાખ વિદ્યાર્થીઓએ JEE મેઇન માટે અને ૧૫.૯૭ લાખ વિદ્યાર્થીઓએ NEET માટે નોંધણી કરાવી છે.

(3:39 pm IST)