ગુજરાત
News of Friday, 28th August 2020

અંબાજી મંદિરમાં કોરોના મહામારી દૂર કરવા મહાયજ્ઞઃ તા. ૩ સપ્ટેમ્બરથી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ

ભાદરવી પૂનમ મહોત્સવ અંતર્ગત કલેકટર સંદીપ સાંગલેના હસ્તે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પ્રારંભ

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાંગલેના હસ્તે મહાયજ્ઞનો પ્રારંભ કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

પાલનપુર તા. ર૮ :.. બનાસકાંઠા જીલ્લામાં આવેલ શકિતપીઠ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મહોત્સવ નિમિતે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની શરૂઆત ગઇકાલથી થયેલ. કલેકટર તથા આરાસુરી અંબાજી માત દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાંગલેએ અંબાજી મંદિરના ચાચરના ચોકમાં મહાયજ્ઞની વિધિવત શરૂઆત કરેલ.

તેમણે યજ્ઞશાળામાં પૂજન વિધી કરી માતાજીના આર્શીવાદ લઇ ધ્વજા ચડાવી સાત દિવસીય મહાયજ્ઞની શરૂઆત  કરેલ. આ અવસરે તેમણે જણાવેલ કે વિશ્વ કલ્યાણ, લોકોના કલ્યાણ અને કોરોના સંકટ દુર કરવા માટે આ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પહોંચનાર ૧૪૦૦ નોંધાયેલ પદયાત્રા સંઘોને પૂજા કરાયેલ. માતાજીની ધજાઓ પહોંચાડાઇ છે. કલેકટરશ્રી સાંગલેએ વધુમાં જણાવેલ કે તેમણે તમામ ભકતો તરફથી શીખર ઉપર ધ્વજા ચઢાવી બધાને સુખી રાખવા માતાજી પાસે પ્રાર્થના કરેલ. આ વર્ષે ભકતો માતાજીના દર્શન, આરતી, ગબ્બર દર્શન કરી શકે તે માટે ઓનલાઇન વ્યવસ્થા કરાઇ છે.

ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટયુબ વગેરે ઉપર સવારે ૭.૩૦ વાગ્યાથી ઓનલાઇન દર્શન થઇ શકે. આગામી ર સપ્ટેમ્બરના સાંજે ૪.૩૦ વાગ્યે મહાયજ્ઞની પૂર્ણાહુતિ તથા મહાઆરતી યોજાશે. મહાયજ્ઞના શરૂઆત પ્રસંગે ટ્રસ્ટના એસ. જે. ચાવડા, ગીરીશ પટેલ તથા મંદિરના અધિકારીઓ - કર્મચારીઓ હાજર રહેલ.

૪ને બદલે ર સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રહેશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મહોત્સવ દરમિયાન હવે અંબાજી મંદિર ૪ને બદલે ર સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રી સુધી બંધ રહેશે. કલેકટરે ૧૦ ઓગસ્ટના રોજ જાહેર કરેલ અધિસુચના મુજબ મંદિર ર૪ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર બંધ રાખવાનું જણાવેલ. આરાસુરી અંબાજી માત દેવસ્થાન ટ્રસ્ટના પ્રશાસકની અપીલ ઉપર ૪ ને બદલે ર સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય અન્ય શરતો લાગુ રહેશે.

(3:05 pm IST)