ગુજરાત
News of Friday, 28th August 2020

PM મોદીના હોમટાઉન વડનગરનો થશે વિકાસઃ હેરિટેજ પાર્ક - ઇન્ડોર સ્ટેડીયમ - મ્યુઝિક યુનિ.બનશે

પર્યટન સ્થળ તરીકે વિકસાવાશેઃ ૧૨૦ કરોડ ખર્ચાશે

નવી દિલ્હી, તા.૨૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વતન વડનગર ટૂંક સમયમાં એક મુખ્ય પર્યટન સ્થળ બની જશે. પ્રાચીન બોદ્ઘિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ અને નવું ઈનડોર સ્ટેડિયમ બનાવાશે. આ સિવાય ત્યાં મ્યૂઝિક યુનિવર્સિટી પણ ઉભી કરાશે-જેને તાના-રીરી નામ આપવામાં આવશે. તાના-રીરી બહેનો વડનગરના વતની હતા અને તેમણે ચાર સદીઓ પહેલા સંગીતની પ્રેકિટસ કરી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. પાંચ એકરમાં ફેલાયેલા નવા ઈનડોર સ્પોર્ટ્સ કોમ્પલેકસનું કામ શરૂ થઈ ગયું છે. જયારે હેરિટેજ મ્યૂઝિમ-કમ-કોમ્પ્લેકસનું કામ આગામી મહિનાઓમા શરૂ થશે તેવી શકયતા છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

એકંદરે, આ કામગીરીમાં ૧૨૦ કરોડ રૂપિયા રૂપિયા કરતાં વધારેનો ખર્ચ થશે તેવો રાજય સરકારનો અંદાજ છે. 'સ્પોર્ટસ કોમ્પલેકસ અને મ્યૂઝિક યુનિવર્સિટીના નિર્માણ પાછળ આશરે ૧૦-૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે કારણ કે તેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે', તેમ ડેવલપમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.

સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈનડોર સ્પોર્ટ્સ કોમ્પલેકસનું નિર્માણ કામ મે ૨૦૨૧ સુધીમાં પૂરુ થઈ જશે. 'સ્પોર્ટસ કોમ્પલેકસ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જમીન સંપાદન પૂર્ણ થવાને નજીક છે અને આગામી બે વર્ષમાં ત્યાં વધુ સ્પોર્ટ્સ સુવિધાઓ ઉમેરવામાં આવશે', તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

'હાઇટેક પ્રાયોગિક હેરિટેજ મ્યૂઝિયમનું કામ ચાલુ છે. આર્કિઓલજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) મ્યૂઝિયમ કોમ્પલેકસ માટે વિશેષ એજન્સીઓ સાથે કામ કરી રહ્યું છે. જયાં લોકો ખોદકામ કરાયેલા સ્થળોની સાથે વાસ્તવિક કળા, તેના તથ્યો અને ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓ જોઈ શકે છે', તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ તેમ પણ કહ્યું કે, મુલાકાતીઓ વડનગરના ઈતિહાસમાં થયેલી પ્રવૃતિઓના ડિજિટલ ફોટો પણ જોઈ શકશે. '૨૦૨૦ના અંતમાં અથવા ૨૦૨૧ની શરૂઆતમાં કામ શરૂ થવાની શકયતા છે', તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ કહ્યું કે, રાજય સરકારે વડનગર ખાતે નવી મ્યૂઝિક કોલેજ બનાવવાની મંજૂરી આપી છે, જે ગુજરાતની પહેલી મ્યૂઝિક યુનિવર્સિટી તરીકે વિકસિત થશે.

'વડનગર સંગીતનો સમૃદ્ઘ ઈતિહાસ ધરાવે છે કારણ કે તાના-રીરી બહેનો ત્યાં રહ્યા હતા અને મ્યૂઝિકના વિકાસ માટે પ્રયાસ કર્યો હતો. મ્યૂઝિક યુનિવર્સિટીનું નામ તાના રીરી મ્યૂઝિક યુનિવર્સિટી રાખવામાં આવશે', તેમ સૂત્રોએ કહ્યું હતું.

(11:43 am IST)