ગુજરાત
News of Friday, 28th August 2020

લાખોની લાંચની વાત હવે જૂની થઇ, ચકચારી મામલામાં કરોડ રૂપીયા મંગાઇ રહયાનો ધડાકો

અમદાવાદના મહિલા પીઆઇની લાખોની લાંચના પડઘા શમ્યા નથી ત્યાં વધુ એક પીઆઇ જે.કે.રાઠોડ સામે લાખોની લાંચના પ્રકરણની તપાસનો ધમધમાટ : ઉચ્ચ અધિકારીઓના નામે મોટો તોડ કરવાના ખળભળાટ મચાવતા આક્ષેપોની તપાસ, અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રી વાસ્તવની સૂચનાથી એસીપી દેસાઇ પોતાના માર્ગદર્શનમાં ચલાવી રહયાની બાબતને એડીશ્નલ પોલીસ કમિશ્નર ગૌતમ પરમારનું અકિલા સાથેની વાતચીતમાં સમર્થન

રાજકોટ, તા, ૨૮: અમદાવાદના ઇન્ચાર્જ  પીઆઇ શ્વેતા જાડેજાના દુષ્કર્મના કહેવાતા આરોપી પાસેથી લાખોની લાંચ પોતાના બનેવી મારફત લીધાના રાજયભરમાં ચકચારી ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં અમદાવાદના એક પીઆઇ સામેલ  એક કરોડની લાંચ માંગી ૪પ લાખ અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામે મગાયાની ફરીયાદથી ખળભળાટ મચી ગયો છે.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકના પીઆઇ જે.કે.રાઠોડ સામે એક દંપતીની મદદથી બિલ્ડર સુનીલ ભંડારી પાસે પ્રથમ એક કરોડ ત્યાર બાદ ૭૦ લાખની માંગ કરી ૪પ લાખ રૂપીયા લઇ બાકીના રપ લાખ માટે ઉચ્ચ અધિકારીઓના  નામે માંગવામાં આવ્યાના આરોપસરની ફરીયાદ થતા જ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ચોંકી ઉઠયા હતા. સમગ્ર મામલાની તપાસ અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર દરજજાના સેકટર વડા ગૌતમ પરમારના માર્ગદર્શનમાં જે ડીવીઝનના એસીપી શ્રી દેસાઇને તપાસ સુપ્રત કરવામાં આવી છે. અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર અને સેકટર વડા ગૌતમ પરમારે આ બાબતને  સમર્થન આપ્યું છે.

અધધ રકમની લાંચ અને તેમાં મોટી રકમના ડીસ્કાઉન્ટ બાદ પાછળથી વધુ રપ લાખ માંગવાના આરોપસરની આ ફરીયાદમાં પણ કહેવાતા દુષ્કમનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવા સાથે ઉચ્ચ અધિકારીઓ મહિલાઓના મામલામાં ખુબ જ સખ્તાઇ દાખવતા હોવાની ધમકી સંબંધક પીઆઇ દ્વારા અપાયાના પણ આરોપ પોલીસ કમિશ્નરને થયેલી અરજીમાં કરવામાં આવ્યા છે. આમ વધુ એક પોલીસ અધિકારીના લાંચ પ્રકરણના પગલે-પગલે રાજયના પોલીસ વડા આશીષ ભાટીયા પણ આવા કૃત્યો કોઇ કાળે સાખી લેવાના મુડમાં ન હોય ઘણા ધુળ ખાતા પ્રકરણો પર ફરીથી તપાસ સુપ્રત થાય તો નવાઇ નહી તેવું ચર્ચાઇ રહયું છે.

(12:56 pm IST)