ગુજરાત
News of Friday, 28th August 2020

વડોદરા:વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે જમીન માલિકનો બોગસ મરણનો દાખલો ઉભો કરી જમીન પચાવી અન્ય શખ્સને વેચી દેનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

વાઘોડિયા:તાલુકાના ગુતાલ ગામે જમીન માલિકનો બોગસ મરણ દાખલો તૈયાર કરી તેના આધારે વારસાઇ કરાવી જમીન પચાવી પાડયા બાદ અન્યને વેચી દેનાર ભેજાબાજો સામે પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.

ગુતાલ ગામે રહેતા ચંદુભાઇ પુજાભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગામની સીમમાં અમારી ખેતીની જમીનો આવેલી છે. જમીનમાં મારા મૃતક દાદા રાયસીંગભાઇનું નામ ચાલે છે અને અમે વારસાઇ કરાવી નથી જેથી જમીનમાં હજી રાયસીંગભાઇના નામે રેકર્ડ ચાલતો હતો. વર્ષ -૨૦૧૪માં અમારી જમીનના રેકર્ડ કઢાવ્યા ત્યારે ગામના  બ્રાહ્મણ ફળીયામાં રહેતા રાયસંગભાઇ જાધવના વારસદારોના નામો હતો.

અંગે જ્યારે વારસદારોને હું મળ્યા તો તેમણે જમીન અમારા બાપદાદાની છે તેમ જણાવ્યું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે જમીન પચાવી પાડયા બાદ જમીન ચીપડ ગામમાં રહેતા રતીલાલ બાબુલાલ સોલંકીને વેચાણ કરી દીધી છે. ચંદુભાઇએ ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે રાયસીંગભાઇ જાદવ હોવા છતાં જાદવ અટક ભૂંસી નાંખી પરમાર અટક લખી તલાટી ઓફિસમાંથી બોગસ મરણ દાખલો બનાવી તેના આધારે પેઢીનામું તૈયાર કરાવી નામો દાખલ કરાવ્યા હતાં.

(5:21 pm IST)