ગુજરાત
News of Friday, 28th August 2020

ગાંધીનગર જિલ્લામાં વાહનચોરીના ગુનાહમાં ભરખમ વધારો:એલસીબીની ટીમે બે અલગ અલગ જગ્યાએથી ચોરીના બાઈક સહીત મોપેડ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં વાહનચોરીના બનાવો વધી રહયા છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બે અલગ અલગ સ્થળોએથી ચોરીના બાઈક અને મોપેડ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા અને અન્ય જિલ્લાઓમાં થયેલી વાહનચોરીના ગુનોના ભેદ ઉકેલી આરોપીઓને જે તે પોલીસ મથકમાં સોંપવા માટેની તજવીજ શરૂ કરી છે.     

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીની સાથે વાહનચોરીના બનાવો પણ વધી રહયા છે ત્યારે થોડા સમય અગાઉ બુલેટચોર ગેંગ પણ સક્રીય થઈ હતી. ઘર આંગણે પાર્ક કરેલા વાહનો તસ્કરો ઉઠાંતરી કરી જતાં હોય છે. જેને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી આવા શખ્સોને પકડવા તાકીદ કરી હતી જેના અનુસંધાને  પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.દિગ્વિજયસિંહની બાતમીના આધારે સે-ર૮ બગીચા પાસેથી જીજે-૦૧-જેડબલ્યુ-૧૦૫૭ નંબરના મોપેડ સાથે નરોડના મોટા ઠાકોરવાસમાં રહેતા રાહુલ ગોવિંદભાઈ ઠાકોરને ઝડપી પાડયો હતો. જેની પુછપરછમાં તેણે ત્રણ વર્ષ અગાઉ નવરંગપુરામાંથી મોપેડ ચોર્યું હોવાની કબુલાત કરી હતી તો બીજી બાજુ એલસીબીના હેકો.અનુપસિંહ અને કો.અનોપસિંહની બાતમીના આધારે માણસાથી ચરાડા જવાના રોડ ઉપર ચરાડા ગામના વિક્રમ જીવરાજભાઈ લુવાને ઝડપી પાડયો હતો. જેની પુછપરછ દરમ્યાન તેણે વર્ષ ર૦૧૭માં પાલનપુર ચાર રસ્તા પાસેથી બાઈક ચોર્યાની કબુલાત કરી હતી. જેમની અટકાયત કરીને સંબંધિત પોલીસ મથકમાં સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે

(5:23 pm IST)