ગુજરાત
News of Friday, 28th August 2020

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્‍ય હર્ષદ રિબડીયા અને તેમના પત્‍ની તથા પુત્રનો કોરોના રિપોર્ટ પોઝીટીવઃ ધારાસભ્‍ય સહિત સમગ્ર પરિવારને હોમ આઇસોલેશનમાં રાખી સારવાર શરૂ

જુનાગઢ: કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષદ રિબડીયા ઉપરાંત તેમના પરિવારના તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હર્ષદ રીબડીયા ના જણાવ્યા પ્રમાણે કોઈ લક્ષણ દેખાતા નથી પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય સહિત સમગ્ર પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરીને તેઓની ટ્રીટમેન્ટ શરૂ કરી છે. જોકે, હર્ષદ રીબડીયાના જણાવ્યા પ્રમાણે, તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા નથી, પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તો બીજી તરફ, જૂનાગઢ મહાનગરપાલિકા કોરોનાગ્રસ્ત બની છે. મનપાના 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં તંત્ર હરકતમાં આવ્યું અને કચેરીમાં આવનાર અરજદારોના કામ બિલ્ડીંગ નીચેથી જ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મનપાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બિનજરૂરી પ્રવેશ ટાળવા કચેરી બહાર બેરિકેટ મૂકવામાં આવ્યા છે.

આમ, જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતું જાય છે અને હવે તેમાંથી તંત્ર પણ બાકાત નથી રહ્યું. જુનાગઢ મહાનગરપાલિકાના 18 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા મેયરે સૂચના આપી છે. મનપા કચેરીમાં કોરોના સંક્રમણને લઈને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કચેરીમાં આવતાં અરજદારોને શક્ય હોય ત્યાં સુધી કચેરીમાં પ્રવેશ ન કરે અને નીચેથી જ કામ પતી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મનપાના તમામ કર્મચારીઓના રીપોર્ટ ફરજીયાત કરી યોગ્ય કાર્યવાહી કરવા પણ મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા સૂચના અપાઈ છે. કચેરીમાં બિનજરૂરી પ્રવેશ નિષેધ કરાયો છે. મનપા કચેરીમાં આવનાર લોકોને પહેલાં તેમને શું કામ છે તે પૂછીને પછી જ પ્રવેશ અપાઈ છે. આવનાર વ્યક્તિનું તાપમાન માપીને પછી જ તેને કચેરીમાં પ્રવેશ મળે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી સહિત 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. એક જ દિવસના 8 કલાક દરમિયાન ભાજપના પાંચ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. ગઈકાલે સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હર્ષ સંઘવી બાદ સાંજે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. બંન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો છે.

(5:48 pm IST)