ગુજરાત
News of Friday, 28th August 2020

અમદાવાદ ના કૃષ્ણનગર માં બિલ્ડર સુનિલ ભંડારી સામે રેપકેસમાં નવો વળાંક : આરોપીમાં તોડપાની નો આક્ષેપ કર્યો હતો તે કૃષ્ણનગર પોલીસ મથકના પીઆઇ જે. કે. રાઠોડની બદલી : પીઆઇ જે. આર પટેલ ને ચાર્જ સોપાયો..

સુનિલ સામે સિવિલમાંથી અને બે પોલીસમેન સામે જાપ્તા માંથી ભાગી જવાનો ગુનો દાખલ

અમદાવાદ : અહીંના કૃષ્ણનગરમાં બિલ્ડર સુનિલ ભંડારી સામે રેપ કેસમાં નવો વળાંક આવેલ છે. આરોપીમાં તોડપાણીનો જેમની સામે આક્ષેપ કારેલ તે પીઆઇ જે.કે. રાઠોડની બદલી થઈ ગઈ છે. તેમના સ્થાને પી આઈ જે. આર પટેલને ચાર્જ સોપાયો છે. સુનિલ સામે સિવિલમાંથી ભાગી જવાનો તો ફરજ પરના બે પોલીસમેન સામે જાપતામાંથી ભાગી જવાનો ગુન્હો દાખલ થયો છે.

કૃષ્ણનગરના પોલીસ ઈન્સ્પેકટર જે.કે.રાઠોડે  બિલ્ડર સુનિલ ભંડારી ઉપરાંત બે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરતા શાહીબાગ પોલીસ મથકમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. સુનિલ સામે સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થવાનો અને કૃષ્ણનગરના હેડ કોન્સ્ટેબલ દીનેશકુમાર તેમજ LRD વનરાજસિંહ સામે આરોપી તેમના જાપ્તામાંથી ભાગી ગયાનો ગુનો નોંધાયો છે.

 

રેપ કેસનો આરોપી બિલ્ડર સુનિલ ભંડારી ગુરુવારે વહેલી સવારે સિવિલના કોવિડ વોર્ડમાંથી ફરાર થઇ ગયો હતો. ત્યાંથી નાસી સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જો કે પાછળથી ગુરુવારે રાત્રે જ બિલ્ડરને હોમ ક્વોરન્ટાઇન થવાની મંજૂરી આપવામાં આવી હતી.

 

આરોપી બિલ્ડરના નિવાસે જાપ્તા પોલીસ અને ક્વોરન્ટાઇનનું ચોંટાડેલું સ્ટીકર

પરંતુ પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના મામલે  કૃષ્ણનગર પીઆઈ રાઠોડે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી સુનિલ અને કૃષ્ણનગરના હેડ કોન્સ્ટેબલ દીનેશકુમાર તેમજ LRD વનરાજસિંહ સામે  ફરિયાદ નોંધાવી હતી.  પોલીસકર્મીઓ કોરોના વોર્ડની બહાર જાપ્તામાં હતા અને બન્નેની બેદરકારીથી સુનિલ નાસી ગયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

બિલ્ડર પર રેપના આરોપનો કથિત કેસ શું છે?

કૃષ્ણનગરમાં એક મહિલાએ  બિલ્ડર સુનિલ ભંડારી વિરૂધ્ધ કેફી પદાર્થયુક્ત ચોકલેટ ખવડાવી બળાત્કાર કરવાનો આરોપ કરતી ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ એવો આરોપ કર્યો છે કે સુનિલ ભંડારીએ બેભાન કરીને તેનો બીભત્સ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે સુનિલનો સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોપીને સિવિલની કોવિડ હોસ્પિટલના એ-2 વોર્ડના બેડ નંબર 49માં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે,પરોઢીયે 5 વાગ્યે આરોપી સુનિલ સિવિલના કોરોના વોર્ડમાંથી ફરાર થયો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સીસીટીવી ચેક કર્યા હતા. ફુટેજમાં આરોપી સુનિલ સરળતાથી ગેટથી બહાર જતો જોવા મળ્યો હતો.

આ મામલે કૃષ્ણનગરના પોલીસ ઈન્સ્પેકટર જે.કે.રાઠોડે હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર, એલઆરડી વનરાજસિંહ અને સુનિલ ભંડારી વિરૂધ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 221, 224, 225એ, 269, 270 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. શાહીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બિલ્ડરની પત્નીએ કેરેસોની છાંટી સળગી જવાનું કહેતા હોબાળો

સિમ્સ હોસ્પિટલમાંથી આરોપી સુનીલને ગુરુવારે રાત્રે હોમ ક્વોરન્ટાઈન થવા માટે મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાનમાં કૃષ્ણનગર પીઆઈ સહિતનો સ્ટાફ આરોપીના ઘરે પહોંચ્યો હતો. પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલી બિલ્ડર પત્નીએ કેરોસીન છાંટી સળગી જવાનું કહી હોબાળો મચાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.પોલીસે સુનિલની ધરપકડ કરવાની વાત કરતા મામલો બીચકયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

બિલ્ડરની સામે ફરિયાદી મહિલાનો પતિ જમીનની ઠગાઇ કેસમાં આરોપી

સુનિલ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ કરનાર મહિલાનો પતિ સુનિલની પત્નીએ નોંધાવેલી જમીનની ઠગાઈ અંગેની ફરિયાદમાં આરોપી છે. સુનીલએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી પીઆઈ રાઠોડ, વહીવટદાર કૃપાલસિંહ, જમીન કેસનો આરોપી અને તેની પત્નીએ ભેગા મળી પૈસા પડાવવા પોતાને ફસાવ્યાની રજુઆત કરી હતી. પીઆઈએ આ મામલે રૂ.45 લાખ સુનિલ પાસેથી લીધા બાદ વધુ રકમ લેવા દબાણ કર્યાનો આક્ષેપ અરજીમાં છે. આ અરજીની તપાસ જી ડીવીઝન એસીપી એ.એમ.દેસાઈ કરી રહ્યા છે.

(12:15 am IST)