ગુજરાત
News of Wednesday, 27th October 2021

NSS સ્વયંસેવકોને મળતી રકમમાં વધારો કરવાની જાહેરાત કરતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

NSS શિબિર થકી રાજ્યભરમાં રક્તદાન, વ્યસન મુક્તિ, આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ વિષયો પર જનજાગૃતિ અને સેવાકીય કાર્યો

અમદાવદ :NSS શિબિર થકી રાજ્યભરમાં રક્તદાન, વ્યસન મુક્તિ, આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ વિષયો પર જનજાગૃતિ અને સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. હવેથી આ શિબિર મારફતે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ જન જાગૃતિ ફેલાવવામાં આવશે તેમ ગાંધીનગર ખાતે યોજાયેલા એન.એસ.એસ એવોર્ડ 2019-20 કાર્યક્રમમાં જણાવી શિક્ષણ મંત્રી જીતુભાઈ  વાઘાણીએ ઉમેર્યું કે, વ્યક્તિ ઘડતર થકી રાષ્ટ્રનિર્માણનું ઉમદા કાર્ય કરી રહેલું એન.એસ.એસ ગુજરાત યુનિટ દેશભરમાં રક્તદાન ક્ષેત્રે સૌથી આગળ છે જે ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે.

સેવાકીય તથા જન જાગૃતિ શિબિરોમાં NSS સ્વયંસેવકોને મળતી રકમમાં વધારો કરવાની જાહેરાત કરતા મંત્રીએ ઉમેર્યું કે, અલગ અલગ વિસ્તારોમાં શિબિર મારફતે નિયમિત પ્રવૃત્તિઓ તથા ખાસ શિબિર પ્રવૃત્તિઓ થકી વિવિધ જનજાગૃતિ અને સેવાકીય કાર્યો એન.એસ.એસની ઓળખ રહી છે. જેમાં સેવારત સ્વયંસેવકોને વર્ષ 2012થી જે રકમ આપવામાં આવતી હતી તે રકમમાં વધારો કરવામાં આવ્યો છે. શિબિરમાં નિયમિત પ્રવૃતિ માટે સ્વયંસેવકોને રૂ. 250ને બદલે રૂ. 400 અને ખાસ શિબિર માટે રૂ 450 ને બદલે હવે રૂ. 650 આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

શિક્ષણ રાજ્ય મંત્રી કુબેર ડિંડોરે રાજ્યકક્ષાના એન.એસ.એસ એવોર્ડ માટે પસંદગી પામેલા તમામ 15 પ્રોગ્રામ કોઓર્ડીનેટર, પ્રોગ્રામ ઓફિસર તથા સ્વયંસેવકોને બેસ્ટ પરફોર્મન્સ માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ‘જનસેવા એ જ પ્રભુસેવા’ તથા ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા’ના મંત્રને સાર્થક કરી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં NSS મારફતે આપ સૌ જે સમાજ સેવા થકી દેશસેવા કરી રહ્યા છો તે બાબત અભિનંદનને પાત્ર છે. યુવાવર્ગને સેવાકીય પ્રવૃતિઓ તરફ વાળી શિબિર મારફતે તેમને જનકલ્યાણ કાર્ય માટે પ્રેરણા આપવાનું તેમજ જનઉત્થાન માટે યોગ્ય રાહ ચિંધવાનું ઉમદા કાર્ય એન.એસ.એસ સ્વયંસેવકો કરી રહ્યા છે.

નેશનલ સર્વિસ સ્ક્રીમ (NSS)થકી રાજ્યભરમાં શિબિરો મારફતે શ્રેષ્ઠ સેવા તથા જનજાગૃતિ કામગીરી કરનાર રાજ્યના 15 સ્વયંસેવકોને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોરના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર સચિવાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એન.એસ.એસ એવોર્ડ 2019-20 માટે પસંદગી પામેલા એક પ્રોગ્રામ કોઓર્ડીનેટર, પાંચ પ્રોગ્રામ ઓફિસર અને 9 સ્વયંસેવકોને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(12:32 am IST)