ગુજરાત
News of Wednesday, 27th October 2021

અમદાવાદમાં મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં કબજેદારનું નામ લખશે નહીં : કોલમ ખાલી રાખશે માલિકનું નામ દર્શાવાશે

મ્યુનિ. કોર્પોરેશનની મળેલી રેવન્યૂ કમિટીમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મળેલી રેવન્યૂ કમિટીમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે શહેરના તમામ ફ્લેટ, બંગલા, ટેનામેન્ટ, રોહાઉસ જેવા રહેઠાણની મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં કબજેદારનું નામ લખશે નહીં, તે કોલમ ખાલી રાખવામાં આવશે જ્યારે માલિકનું નામ દર્શાવવામાં આવશે.

અમદાવાદ શહેરના મોટાભાગના વોર્ડમાં એવી સ્થિતિ કે, પ્રોપર્ટી ટેક્સના વોર્ડ ઇન્સપેક્ટરો દ્વારા કોઇપણ પ્રકારની ખરાઇ કર્યા વિના એટલે કે, ભાડાકરાર કે અન્ય કોઇ ડોક્યુમેન્ટ જોયા વિના બારોબાર ભાડુઆત તરીકે લોકોના નામ પ્રોપર્ટીમાં ચઢાવી દેવાય છે પછી મુળમાલિકને નામ કઢાવવા માટે ધક્કા ખાવા પડે છે જેથી કોઇપણ પ્રકારના પુરાવા વિના નામ ન ચઢાવે તેવી વ્યવસ્થા કરવા પણ લોકોની લાગણી છે.

અમદાવાદ મ્યુનિ.ની રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતુ કે, હાલમાં ટેક્સ બિલમાં ઉપર કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ અથવા માલિકનું નામ દર્શાવવામાં આવે છે અને તેની નીચે મિલકતના કબજો ધરાવનારા વ્યક્તિ એટલે કે, કબજેદારનું નામ દર્શાવવામાં આવે છે. જેમાં મોટાભાગના કિસ્સામાં કબજેદાર ભાડુંઆત હોય છે. છેલ્લા ઘણાં સમયથી રહેઠાણની મિલકતોમાં માલિક હોય અથવા ભાડુંઆત હોય તેવા બંને કિસ્સામાં ટેક્સમાં કોઇ ફેરફાર થતો નથી. ફક્ત બિનરહેણાંકની મિલકતોમાં ભાડુઆતોનો દર 2.00 પ્રમાણે ગણવામાં આવે છે.

રહેણાંકની મિલકતોમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઇ વધારો ન થવા છતાં પણ રહેઠાણની મિલકતોમાં કબજેદાર ફેરફાર અંગે ખુબ જ મોટા પ્રમાણમાં અરજીઓ આવે છે. જે અરજીના નિકાલમાં બિનજરુરી વહીવટી પ્રક્રિયા થાય છે. સમય વેડફાય છે.

આ હકીકતને ધ્યાને લઇ વહીવટી સરળતાં ખાતર જ્યાં ઘણીવાર માલિકીપણું સ્પષ્ટ થતું ન હોય તેવા ચાલી/ઝુંપડાં/ ગામતળ તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કે કેન્દ્ર સરકારની મિલકતો સિવાય અન્ય તમામ ફ્લેટ, બંગલા, ટેનામેન્ટ, રો-હાઉસ જેવા રહેઠાણમાં હવેથી કબજેદારનું નામ ન દર્શાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે પછી ખાસ કિસ્સાઓ સિવાય રહેઠાણમાં કબજેદારનું નામ દર્શાવવામાં આવશે નહીં.

(12:40 am IST)