ગુજરાત
News of Saturday, 28th November 2020

હવે લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં: પ્રદીપસિંહ જાડેજાની મોટી જાહેરાત

લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે :તમામ પ્રકારના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો વધતા લગ્ન સમારંભમાં ભાગ લેનારાની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી હતી, અને પોલીસની પરવાનગી લઇને લગ્ન થઇ રહ્યા છે. જોકે રાજ્યના ગૃહમંત્રીએ રાહત આપતા જણાવ્યું કે હવે દિવસે લગ્ન માટે પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી. તેમ જ લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે તેવી જાહેરાત પ્રદિપસિંહ જાડેજાએ કરી છે

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે લગ્ન કે અન્ય સત્કાર સમારંભમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. મંજુરી મેળવવા માટે લોકોની લાઈનો લાગતાં હવે પોલીસની મંજુરી લેવાની આવશ્યક્તા નથી. પરંતુ લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ ચાલુ રહેશે. ત્યાં જ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં આયોજન ન કરવા પણ તેમને સૂચના આપી છે. રાજ્યના નાગરીકોએ 100 વ્યક્તિની મર્યાદામાં કોઈપણ પ્રકારના સમારંભનું આયોજન કરવાનું રહશે. તેમજ તેમાં તમામ પ્રકારના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે કોરોના સંક્રમણ વધતા રાજ્યના કેટલાક શહેરોમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રકારના પ્રસંગનું આયોજન રાત્રી કરફ્યૂ દરમિયાન કરી શકાશે નહી

લગ્ન સમારંભોમાં અનેક જગ્યાએ જોવા મળ્યું છે કે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નથી કરી રહ્યા. તેના પર તેમણે જણાવ્યું કે લગ્ન સમારંભમાં લોકો માસ્ક પહેરી રહ્યા છે કે નહી તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામા આવી રહ્યું છે કે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લગ્ન સમારંભ દરમિયાન કોરોના માર્ગદર્શિકા પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન નહી કરનારા લોકોને દંડ ફટકારવામાં આવશે

(10:36 pm IST)