ગુજરાત
News of Saturday, 28th November 2020

પુત્રના લગ્નમાં હાજરી આપવા છબીલ પટેલના વચગાળા જામીન ગુજરાત હાઈકોર્ટે મંજુર કર્યા

ભાજપના નેતા જયંતી ભાનુશાળી કેસમાં પિતા-પુત્ર બંને આરોપી :છબીલ પટેલ સાથે એક ASI અને બે પોલીસ કોન્સ્ટેબલ એસ્કોર્ટ તરીકે મુકવાનો પણ આદેશ

અમદાવાદ : વર્ષ 2019 ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યાકાંડ કેસના મુખ્ય આરોપી છબીલદાસ પટેલના ગુજરાત હાઈકોર્ટે 6 દિવસના વચગાળા જામીન મંજુર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે આરોપી – છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ ના લગ્ન હોવાથી તેમાં હાજરી આપવા માટે 6 દિવસના જામીન મંજુર કર્યા છે. નોંધનીય છે કે સિદ્ધાર્થ પટેલ પણ આ કેસમાં આરોપી છે અને જામીન પર બહાર છે. સિદ્ધાર્થ પટેલ)ના લગ્ન 26મી નવેમ્બરથી 28મી નવેમ્બર સુધી યોજવનાર છે, જોકે ત્યારપછી 2 ડિસેમ્બર સુધી ‘આના’ રસમ ચાલશે. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે 2 ડિસેમ્બર સુધીના વચગાળા જામીન મંજુર કર્યા છે. Jayanti Bhanushali Case

પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે છબીલ પટેલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ 25 દિવસના વચગાળા જામીન મંગયા હતા. જોકે તેની સામે કોર્ટે 6 દિવસના જામીન મંજુર કર્યા છે.કોર્ટે શરતી જામીન આપતા કચ્છ જિલ્લાના પોલીસ વડાને છબીલ પટેલ સાથે એક ASI અને બે પોલીસ કોન્સ્ટેબલ એસ્કોર્ટ તરીકે મુકવાનો પણ આદેશ કર્યો હતો.

 

અરજદારના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે અગાઉ આરોપીને વચગાળા જામીન આપવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈપણ પ્રકારનો અણબનાવ બન્યો ન હતો. કોર્ટે આરોપીને 10 હજારનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો છે.

ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન સમક્ષ દાખલ કરાવવામાં આવેલી FIR પ્રમાણે 8 જાન્યુઆરી 2019ના રોજ જ્યારે જયંતિ ભાનુશાળી સયાજીનગરી એક્સપ્રેસમાં જઈ રહ્યાં હતાં ત્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ મુજબ આ કેસમાં છબીલ પટેલ સામે આઇપીસીની કલમ 302, 397, 120 (બી) સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.

(7:43 pm IST)