ગુજરાત
News of Saturday, 28th November 2020

સુરત : કોવિડ 19ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ચેમ્બરની જનજાગૃતિ પદયાત્રા યોજાઈ

હાથમાં રાખેલા પ્લે કાર્ડમાં કોરોના સામે વિવિધ સાવચેતી રાખવાની સમજણ સાથેના સ્લોગન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ 19ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન કરાવવા માટે તેમજ કોરોનાથી સાવચેત રહેવા માટે જનજાગૃતિ અભિયાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે વરાછામાં સુરત ડાયમંડ એસોસીએશનની ઓફિસ ખાતેથી પદયાત્રા કાઢીને ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજાર સુધી ગઈ હતી. આ પદયાત્રા દરમ્યાન હીરાના કારખાનેદારો તેમજ સ્થાનિક લોકોને કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવા વિવિધ સ્લોગન્સ સાથે સમજણ આપવામાં આવી હતી.

આ પદયાત્રામાં લેનારા લોકોએ તેમના હાથમાં રાખેલા પ્લે કાર્ડમાં કોરોના સામે વિવિધ સાવચેતી રાખવાની સમજણ સાથેના સ્લોગન રાખવામાં આવ્યા હતા.જેમાં લોકોના હાથમાં રહેલા પ્લે કાર્ડમાં કોરોનાનું ત્રીજું ચરણ નહિ આવવા દેવું હોય તો તમારા બંને ચરણ ઘરમાં રાખો.દેવ દિવાળી આવી રહી છે. જોજો, કોરોના યમદૂત બનીને તમને દેવ પાસે નહિ પહોંચાડી દે.થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કોરોનાનો છે, આપણે છૂપાઈને રહીશું તો જીતી ગયા, બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે, દુનિયામાંથી. વેન્ટીલેટર કરતા માસ્ક પહેરવું સારું, આઈ.સી.યુ.માં રહેવા કરતા ઘરમાં રહેવું સારું અને જિંદગીથી હાથ ધોવા કરતા સાબુથી હાથ ધોવા સારા.વેન્ટીલેટર કરતા માસ્ક અને કફન કરતા રૂમાલ સસ્તો છે. શું આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નથી આવવા માંગતા ? આવા અનેક સંદેશાઓ તેમજ આ પદયાત્રામાં વિવિધ વેશભૂષા દ્વારા મહામારીથી બચવા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો. મહિધરપુરા અને મીની બજારમાં વેશભૂષા યોજવામાં આવી હતી. કોરોનાનો ખૌફ દર્શાવતા રાક્ષસો સાથેની વેશભૂષા યોજવામાં આવી હતી

(10:28 pm IST)