ગુજરાત
News of Thursday, 29th April 2021

કપિરાજને રોજ બિસ્કિટ ખવડાવનારનું કોરોનાથી મોત : વાનરોનું ટોળુ ૭ કિમી અંતર કાપી જીવદયા પ્રેમીના ઘરે પહોંચ્યુ

જીવદયા પ્રેમી પ્રત્યે પ્રાણીઓની સંવેદનાથી લોકોમાં ભારે અચરજ જોવા મળ્યું હતું : સુરેશભાઇ દરજી લગભગ ૧૭ વર્ષથી કપિરાજોને બાયડથી ૭ કિલોમીટર દુર આવેલા ભુખેલ ગામના હનુમાનજીના મંદિરે જઇ બિસ્કીટ ખવડાવતા હતા

અરવલ્લી તા. ૨૯ : બાયડના ભુખેલ ગામના હનુમાન મંદિરે દર શનિવારે છેલ્લા ૧૭ વર્ષથી કપિરાજોને બિસ્કીટ ખવડાવનાર સુરેશભાઈ દરજીનું કોરોનાથી મોત નિપજતા શનિવારે કપિરાજોને બિસ્કીટ ખવડાવવાનો નિત્યક્રમ તૂટતાં મંદીરની આજુબાજુ રહેતા વાનરો વિહવળ બન્યા હતા, આખરે કપિરાજોનું ટોળું ભુખેલથી ૭ કિલોમીટરનું અંતર કાપી જીવદયા પ્રેમી સુરેશભાઈ દરજી ઘરે પહોંચતા પરિવારજનો અને આજુબાજુના લોકો આશ્યર્યચકીત બન્યા હતા અને વાનરોને બિસ્કીટ ખવડાવતા વાનરો જીવદયા પ્રેમીના ઘરે થોડો સમય ઉભા રહી પરત જતા રહેતા જીવદયા પ્રેમી પ્રત્યે પ્રાણીઓની સંવેદનાથી લોકોમાં ભારે અચરજ જોવા મળ્યું હતું.

 બાયડમાં કોરોનાથી મૃત્યુ પામેલા સુરેશભાઈ દરજી જે એસ. કુમારના હુલામણા નામથી ઓળખાતા હતા. જેવો સારા ગાયક, હસમુખ સ્વભાવના અને સેવાભાવી ભજન મંડળીમાં પણ તેઓ ઉમદા રસ દાખવતા હતા. છેલ્લા લગભગ ૧૭ વર્ષથી કપિરાજોને બાયડથી ૭ કિલોમીટર દૂર આવેલા ભુખેલ ગામના હનુમાનજીના મંદિરે જઈ બિસ્કીટ ખવડાવતા હતા. સુરેશભાઈ દરજીનું મોત થતા સાત કિમીઅંતર કાપી કપિરાજો મૃતક સુરેશભાઈ દરજીના ઘરે પહોંચી જતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા

 બાયડના વેપારી આગેવાન સુરેશભાઈ દરજીનું કોરોનાથી અવસાન થતા વ્યાપારીઓ માટે શોક છવાયો હતો. બીજી તરફ છેલ્લા ૧૭ વર્ષથી સુરેશભાઈ દરજી બાયડથી ૭ કિલો મીટર દૂર આવેલા ભુખેલ હનુમાનજીના મંદિરે દર શનિવારે કપિરાજોને બિસ્કીટ ખવડાવવા જતા હતા. સુરેશભાઈ દરજીના પુત્ર સચીન ભાઈના લગ્ન શનિવારના દિવસે હતા, તેમ છતા લગ્નમાં મોડા જઈ પરંતુ પહેલા કપિરાજોને બિસ્કીટ ખવડાવવા ગયા હતા. કપિરાજ તથા સુરેશભાઈ દરજીનો પ્રેમ એટલી હદ સુધી હતો કે, સુરેશભાઈ દરજીનું અવસાન થતા શનિવારે તેમને ભુખેલ મંદિરે ના જોતા કપિરાજોનું ટોળું સાત કિ.મી અંતર કાપી તેમના ઘર આગળ આવી બેસી ગયું હતું.

 સોમવારે વહેલી સવારથી જ પ્રથમ વખત કપિરાજોનું ટોળું ઘર આગળ આવતા સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. સુરેશભાઈ દરજીના પુત્ર સચીન ભાઈએ પણ તેમના પપ્પાની પરંપરા જાળવી રાખી ઘરે આવેલ કપિરાજોને બિસ્કીટ ખવડાવ્યા હતા. સુરેશભાઈના પુત્ર સચિનભાઈ જણાવ્યું હતું કે, કપિરાજો મારા ઘર આગળ બેસી ગયા હતા અને કોઈને પણ હેરાન કર્યા ન હતા અને તેઓ ઘર છોડીને જતા પણ નથી, આવો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ભાગ્ય જ જોવા મળતો હોય છે.

(10:26 am IST)