ગુજરાત
News of Thursday, 29th July 2021

ગાંધીનગરના ભાટમાંથી અમૂલ આઈસક્રીમનું ટ્રાન્સપોર્ટ કરતી આખેઆખી ટ્રકની ચોરી

ચોરએ ટ્રકની ચોરી કરતા પહેલા જ GPS સિસ્ટમના વાયરો કાપી નાખ્યા હશે

ગાંધીનગરના ભાટ ગામમાં એક એવી ઘટના બની છે કે, તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે કારણ કે, ચોર અમુલ આઈસ્ક્રીમની સપ્લાય કરતી ટ્રક ચોરીને લઈ ગયા હતા. આ ઘટનાને લઇને ટ્રક માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગાંધીનગર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટ અનુસાર ગાંધીનગર સેક્ટર 26માં આવેલા કિસાન નગરમાં અજયસિંહ ચાવડા તેમની લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ નામની એક કંપની ચલાવે છે. અજયસિંહ ચાવડાની કંપનીમાં રહેલા 17 રેફ્રિજરેટર ટ્રક અમૂલ કંપનીના આઈસ્ક્રીમનું ટ્રાન્સપોર્ટ કરે છે. 25 જુલાઈના રોજ અજયસિંહ ચાવડાએ રેફ્રિજરેટર ટ્રકની બેટરી ઊતરી ન જાય એટલા માટે તેનો ડ્રાઇવર ગુલાબસિંહને ટ્રક લઈ આટો મારવા જવા જણાવ્યું હતું. તેથી ગુલાબસિંહ ટ્રક લઈને આટો મારવા નીકળ્યો હતો. તે સમયે 8:30 વાગ્યા આસપાસ ડ્રાઇવર ગુલાબસિંહ તેનો ટ્રક ભાટ ગામ નજીક આવેલ ક્રિસ્ટલ ફ્લેટની સામે રોડ પર પાર્ક કરીને જમવા ગયો હતો.

ડ્રાઇવરની ગેરહાજરીનો લાભ ઉઠાવીને કોઈ ઇસમ આ ટ્રકની ચોરી કરીને ભાગી ગયો હતો અને જ્યારે રાત્રે 11 વાગ્યે ડ્રાઇવર ગુલાબસિંહ ટ્રક લેવા પરત આવ્યો ત્યારે ટ્રક જે જગ્યા પર મુકેલો હતો ત્યાં હતો નહીં. ટ્રકમાં GPS સિસ્ટમ પણ લગાવવામાં આવી હતી. તેથી ડ્રાઇવરે તાત્કાલિક GPRS સિસ્ટમથી લોકેશન જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકેશન જાણવા મળ્યું ન હતું. કારણ કે, ચોરએ ટ્રકની ચોરી કરતા પહેલા જ GPS સિસ્ટમના વાયરો કાપી નાખ્યા હશે. તેથી ગુલાબસિંહે આ બાબતે અજયસિંહ ચાવડાને ફોન કરીને માહિતી આપી હતી. ત્યારબાદ ડ્રાઈવર દ્વારા આસપાસના હાઈ-વે પર પણ ટ્રકની શોધખોળ કરવામાં આવી હતી.

તેથી અજયસિંહ ચાવડાએ આ સમગ્ર મામલે અડાલજ પોલીસ મથકમાંની ટ્રકની ચોરી થઇ હોવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે અજયની ફરિયાદ નોંધીને ટ્રકની શોધખોળ શરૂ કરી છે. ટ્રક કોણ ચોરી ગયું છે તે માહિતી મેળવવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ પણ આ તપાસમાં જોડાય છે.

(12:59 am IST)