ગુજરાત
News of Thursday, 29th July 2021

વહુની નોકરી રદ કરાવવા સાસુની અરજીઃ કોર્ટે ૧૦ હજારનો દંડ કર્યો!

અરજીમાં વિચિત્ર અને બિનજરૂરી માગ કરાઈ છેઃ હાઇકોર્ટ : સાસુએ અંગત બદલો લેવા માટે આ અરજી કરી હોવાનું કોર્ટનું અવલોકન

મદાવાદ, તા.૨૯: વહુને સરકારી નોકરીમાં મળેલી નિમણૂકને રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને બુધવારે હાઈકોર્ટે ફગાવી દીધી છે અને અરજદાર સાસુને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે અરજી ફગાવતા અરજદારના વકીલને ટકોર કરી હતી કે, 'તેમણે આ પ્રકારની અરજી કયારેય જોઈ નથી, આ ખરેખર અદ્બૂત લાગે છે.' હાઈકોર્ટે નોંધ્યું છે કે, આ અરજીમાં વિચિત્ર અને બિનજરૂરી માગ કરવામાં આવી છે.

જેમાં, વહુને સરકારી નોકરીમાં મળેલી નિમણૂકની માગ એક સાસુ દ્વારા કરાઈ છે. અરજદાર સાસુએ આ પ્રકારની અરજી તેનો અંગત બદલો લેવા માટે કરેલી હોય તેવું લાગે છે. અરજદાર સાસુ અને તેની વહુ વચ્ચેનો સિવિલ પ્રકારનો વિવાદ પડતર છે.

આ કેસમાં નવાઈની વાત તો એ છે કે, વકીલ દ્વારા અરજદારને આ પ્રકારની અરજી કરવા માટે પ્રોત્સાહિત કરાયા છે અને તેને સલાહ આપવામાં આવેલી છે. અરજદારે, આ પહેલા અન્ય કોઈ ફોરમ સમક્ષ ગયા નથી અને સીધા હાઈકોર્ટમાં અરજી કરી છે. આ પ્રકારની અર્થહીન અરજીથી હાઈકોર્ટ અને તેના સ્ટાફનો સમય બગડયો છે. હાઈકોર્ટમાં થતી અરજી પાછળ ઓછામાં ઓછા ૧૦ લોકો રોકાયેલા રહે છે.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, 'અરજદારે આ અરજી તેના કોઈ વ્યકિતગત વિવાદ કે વાંધાને પાર પાડવા માટે કરેલી નથી. પરંતુ, વહુ દ્વારા સરકાર નોકરી માટેની જાહેરાત અને જીપીએસસીના નિયમોનો ભંગ કરાયો છે અને નોકરી પ્રાપ્ત કરી છે. વહુએ તેના લગ્નની વિગતો છુપાવી છે, પોતે કુંવારા હોવાનું જણાવ્યું છે.

જો કે, વર્ષ ૨૦૧૫માં તેણીએ છૂટાછેડા માટે અરજી કરેલી છે. વહુએ સરકારી નોકરી માટે કરેલી અરજીમાં પોતાને સામાજિક કાર્યકર દર્શાવી છે, ખોટું સરનામું દર્શાવ્યું છે. મતલબ કે તેણીએ જાણી જોઈને ખોટી વિગતો આપી છે. જેથી, સરકારને ગેરમાર્ગે દોરી છે.

કેસની વિગત જોઈએ તો, અરવલ્લીમાં સાસુ અને વહુ વચ્ચે મતભેદો ચાલી રહેલા. આ સમયગાળામાં, થોડા સમય પહેલાં વહુને સરકારના રેવન્યૂ વિભાગમાં નોકરી મળેલી છે.

(10:06 am IST)