ગુજરાત
News of Thursday, 29th July 2021

નકલી ફીંગર પ્રિન્ટથી કાળાબજારિયાઓ વસ્તુઓ બારોબાર બજારમાં વેચીને મલાઈ તારવી રહ્યાં હોવાનો પરેશભાઇ ધાનાણીનો આક્ષેપ

'સાહેબ, હવે શરમ કરો' : રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાએ આ મુદ્દે ટ્વીટ કર્યુ : પચ્ચીસ પચ્ચીસ વર્ષ પેટી ભર્યાની હવે 'પીડા' સૌ કોઈ ને થાય છે

રાજકોટ તા.૨૯ : 'સાહેબ, હવે શરમ કરો' :રેશન કાર્ડના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના ફોટો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક વાળી થેલીના વિતરણને લઇને રાજકારણ ગરમાયુ છે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે ટ્વીટ કર્યુ હતું. પચ્ચીસ પચ્ચીસ વર્ષ પેટી ભર્યાની હવે 'પીડા' સૌ કોઈ ને થાય છે.તેવો આક્ષેપ કર્યો છે.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે કે, ભૂખ્યાને 'અન્નનાં અધિકાર' ઉપર કમળ છાપ ઠેલીનો ભાર લદાય છે.!ભાજપના શાસકોની ખોટી અને લોક વિરોધી નીતિઓને કારણે મંદી, મોંદ્યવારી અને મહામારીમાં ધકેલાઈ ગયેલા નાગરિકોની સસ્તુ અનાજ આપવાના નામે મશ્કરી થઈ રહી છે. વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ રાજકોટના આજીડેમ નજીકની એક દુકાને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત ખાલી થેલીઓ વિતરણ કરીને ક્રુર મજાક કરી હોવાની ઘટના ટાંકીને ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર ગરીબી દૂર કરી શકી નથી અને હવે ગરીબો જ દૂર થાય તેવો કારસો ઘડી રહી છે.

કોરોનાની મહામારીને કારણે અનેક લોકોની નોકરી જતી રહી છે અને બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. મોંઘવારી અને બેરોજગારી વચ્ચે લોકો ઝોલા ખાઈ રહ્યાં છે. લોકો રોજગારી માટે ભટકી રહ્યાં છે. ભાજપના રાજમાં સરકારી ગોડાઉનમાં અનાજ સડી રહયું છે અને બીજીતરફ લાખો બાળકો કુપોષણનો ભોગ બની રહયા છે. કાળાબજારિયાઓ બેફામ બની ગયા છે અને ગરીબોના મુખેથી કોળિયો છીનવી રહ્યા છે. ગરીબી દૂર ન કરી શકનારી ભાજપ સરકાર ગરીબોના બીપીએલ કાર્ડ દૂર કરીને ગરીબો ઘટ્યા હોવાનો દેખાડો કરી રહી છે. ગરીબોના હિસ્સાનો રેશનીંગનો જથ્થો કાળાબજારમાં વેચાઈ રહ્યો છે. સસ્તા અનાજની દુકાનેથી લોકોને પુરતું અનાજ, કેરોસીન, ખાંડ અને તેલ સહિતની જીવનજરૂરી ચીજો મળતી નથી. બીજીતરફ નકલી ફીંગર પ્રિન્ટથી કાળાબજારિયાઓ આ માલ બારોબાર બજારમાં વેચીને મલાઈ તારવી રહ્યાં હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ કરેલ હતો.

સરકાર ગરીબોને બે ટંકનો રોટલો આપી શકે નહીં તો કાંઈ નહીં, પરંતુ પ્રસિદ્ઘી ભૂખી આ સરકાર વડાપ્રધાનના નામ સાથેની ખાલી થેલીઓ વહેચીને ગરીબોના સ્વમાન પર વજ્રઘાત કરવાનું સત્ત્।ામાં બેઠેલા લોકો બંધ કરે.તેમ પરેશભભાઇ ધાનાણીએ જણાવ્યું.

(11:40 am IST)