ગુજરાત
News of Thursday, 29th July 2021

મોઢેરા મંદિર અને ગામ સુર્ય ઉર્જાથી ઝળહળશે : દેશની પ્રથમ યોજના

રોજ ૬ મેગાવોટ વીજ ઉત્પાદન અને સંગ્રહ ક્ષમતા : વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે : મોઢેરા પાસે ૧.૨૦ લાખ મીટર જગ્યામાં પ્રોજેકટ નિર્માણ પૂર્ણતાના આરે : ઇ-વ્હીકલ માટે ચાર્જીંગ સ્ટેશન પણ બનાવાશે : પાઇલોટ પ્રોજેકટ સફળ થાય તો દેશમાં અન્યત્ર આવી યોજના બનાવાશે : ઉદ્ઘાટન માટે મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની રાહબરીમાં પ્રાથમિક તૈયારી

રાજકોટ તા.૨૯:  સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત ગુજરાતના મહેસાણા જિલ્લામાં સૂર્ય ઊર્જા આધારિત યોજના બનાવવામાં આવી છે. મોઢેરા સન ટેમ્પલ એન્ડ ટાઉન સોલારાઇઝેશન પ્રોજેકટ તરીકે ઓળખાતી આ યોજના પૂર્ણતાના આરે છે. જેનાથી વિશ્વ વિખ્યાત સૂર્યમંદિર અને મોઢેરા ગામ સૂર્ય ઉર્જાથી ઝળહળી ઉઠશે. ઓગસ્ટ અંતમાં અથવા સપ્ટેમ્બર પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ યોજના લોકાર્પણ કરવાની તૈયારી થઈ રહી છે.

મહેસાણાથી ૨૫ કિલોમીટર દૂર આવેલ મોઢેરા ગામની પાસે બાર હેકટર  જગ્યામાં પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેનાથી મોઢેરા સૂર્યમંદિર અને ૧૭૦૦ ની વસ્તીવાળા મોઢેરા ગામને રાઉન્ડ ધ કલોક સૂર્ય આધારિત વીજળી મળી શકશે .હાલની કંપનીની વીજળીના વિકલ્પે લોકો આ સોર ઉર્જા નો ઉપયોગ કરી શકશે .જેનાથી વિકાસની નવી દિશા ખૂલશે આ રાજય સરકાર અને કેન્દ્ર સરકારનું સંયુકત સાહસ છે જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૬૯ કરોડ છે.

 છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે .નજીકમાં જ ઈ વ્હીકલ માટે  ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાનું આયોજન છે .રોજની છ મેગાવોટ સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરી શકાશે .દિવસે સૂર્યપ્રકાશથી ઉર્જાનો સંગ્રહ કરવામાં આવશે તેનો ઉપયોગ દિવસ ઉપરાંત રાતના સમયે પણ થઈ શકશે. હાલ આ મોઢેરામાં આ પાયલોટ પ્રોજેકટ સ્થાપવામાં આવેલ છે. ટેકનિકલ અને વ્યવહારુ દૃષ્ટિએ તેની સફળતા જોયા પછી રાજયમાં અને રાજય બહાર તેનું વિસ્તરણ કરવાનું સરકાર વિચારશે. સમગ્ર ગામ સૂર્ય આધારિત વીજળીથી ચાલી શકે તેઓ દેશમાં પ્રથમવાર બનશે .સ્ટ્રીટ લાઈટ અને ઘરમાં વીજળીના વિકલ્પે સૂર્ય ઊર્જાનો ઉપયોગ થશે .ઉર્જા ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જવા મોઢેરા આગળ વધી રહ્યું છે આ પ્રોજેકટ નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થાય તે માટે રાજય સરકારે પ્રયાસ શરૂ  કર્યા છે. ઉદદ્યાટન માટે જિલ્લા કક્ષાએ  કલેકટર શ્રી ઉદિત અગ્રવાલની રાહબરીમાં વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારી થઈ રહી છે .નિર્માણ ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા થઈ રહ્યું છે. સરકાર અને પ્રજા માટે આ ખૂબ આશાસ્પદ યોજના છે.

(11:41 am IST)