ગુજરાત
News of Thursday, 29th July 2021

સુરતમાં તક્ષશિલા બાદ મનપાની આંખ ઉઘડી : નવા 13 ફાયર સ્ટેશનો બનાવાની કામગીરી ચાલુ

નિર્માણકાર્ય ગતિમાં હોવાથી દરેક ફાયર સ્ટેશનને જરૂરી મહેકમની પણ માગણી

સુરત :  તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ વધુ આધુનિક સુવિધા સાથે સજ્જ કરવા તેમજ સુરતમાં મહત્તમ વિસ્તારોને સરળતાથી આવરી લેવાય તે હેતુથી નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ સમયે 16 ફાયર સ્ટેશન હતા. ત્યારબાદ સુરતના વિસ્તારોને ધ્યાનમાં રાખીને શહેરની વસ્તીની ગીચતા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને 13 નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી હાલ વિવિધ વિસ્તારમાં પ્રગતિ હેઠળ છે.

સુરતમાં અઠવા ઝોનમાં ચાર, વરાછા ઝોનમાં બે, રાંદેર ઝોનમાં બે, ઉધના ઝોનમાં ચાર અને કતારગામ ઝોનમાં એક નવા ફાયર સ્ટેશન આયોજન હેઠળ છે. વિભાગ દ્વારા પાંચ જેટલા ફાયર સ્ટેશનના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી દરેક ફાયર સ્ટેશનને જરૂરી મહેકમની પણ માગણી કરવામાં આવી છે.

એક ફાયર સ્ટેશન દીઠ ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર, જમાદાર, માર્શલ લીડર, ડ્રાઇવર, ફાયરમેન, ક્લીનર સહીત 111 અધિકારી અને કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે. પાંચ પૈકી પુણાગામ ખાતે બની રહેલ ફાયર સ્ટેશન અંદાજે એક બે મહિનામાં શરૂ થઈ શકે છે.

સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે ફાયર સેફ્ટીના મુદ્દે તથા શહેરમાં ફાયર સંબંધિત કોઇ દુર્ઘટના બાબતે તંત્ર કેટલી હદે એલર્ટ સ્થિતિમાં છે તે અંગેનો ચિતાર સામાન્ય સભામાં રજૂ કર્યો હતો. ખાસ કરીને ફાયર સેફ્ટી બાબતે મહાનગર પાલિકા તંત્ર સમગ્ર રાજ્યમાં ખૂબ જ સતર્ક છે.

એટલું જ નહીં કોઈ પણ મહાનગર પાલિકાઓથી વધુ આધુનિક સાધનોથી સુરત ફાયર તંત્ર સજજ હોવાનો દાવો પણ કર્યો હતો. શાળાઓ અને હોસ્પિટલમાં નવી ફાયર NOC ની કામગીરીના આંકડા પણ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા.

(12:20 pm IST)