ગુજરાત
News of Thursday, 29th July 2021

ધો. ૧૦-૧૨ રીપીટર છાત્રોની પરીક્ષા પૂર્ણ : ગુજરાતના ૧૨૫ કેન્દ્રો ઉપર ૧૦ હજાર શિક્ષકો દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકન

ધો. ૧૦-૧૨ની પરીક્ષા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય ઝડપથી શરૂ

રાજકોટ તા. ૨૯ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦-૧૨ના રીપીટર છાત્રોની પરીક્ષા પૂર્ણ થઇ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના ૧૨૫ સેન્ટરો ઉપર ૧૦ હજારથી વધુ શિક્ષકો દ્વારા ઉત્તરવહીઓનું મૂલ્યાંકન શરૂ કર્યું છે.

કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૧૫ જુલાઇથી ધો. ૧૦-૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ હતી જેની ગઇકાલે પરીક્ષા પૂર્ણ થઇ હતી. ધો. ૧૦-૧૨ની રીપીટર પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યના ૫ લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦-૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૨૫ કેન્દ્રો ઉપર ૧૦ હજારથી વધુ શિક્ષકો દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકન કામ ચાલી રહ્યું છે.

ધો. ૧૦-૧૨ રીપીટર છાત્રોની પરીક્ષા ૧૫ જુલાઇથી ૨૮ જુલાઇ સુધી ચાલી હતી પરંતુ શિક્ષણ બોર્ડ દ્વારા અમુક વિષયોની પરીક્ષા પૂર્ણ થતા તુરંત જ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. ધો. ૧૦માં ઉત્તરવહી મૂલ્યાંકન માટે ૬૧૫૦ શિક્ષકો કાર્યરત છે.

(3:34 pm IST)