ગુજરાત
News of Thursday, 29th July 2021

વડોદરાની સયાજી હોસ્‍પિટલમાં દર્દીના ચહેરા ઉપર કીડીઓ જોવા મળતા નર્સે કહી દીધુ-આ પ્રાઇવેટ હોસ્‍પિટલ નથી, થોડુ એડજેસ્‍ટ કરવુ પડે-તમારે પણ ધ્‍યાન રાખવુ પડે-તમે આવીને મોઢુ લુછી નાખજો

પતિએ પત્‍નીનો વીડિયો વાયરલ કરતા સમગર મામલો બહાર આવ્‍યો

વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના લાલિયાવાડીને લઇને અવારનવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમા વધુ એક લાલિયાવાડી આવી સામે આવી છે. જેમાં પેરાલીસીસથી પીડિત કોરોના દર્દીના મોઢામાં કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતા પતિ ચોંકી ઉઠ્યા હતા. પતિએ વીડિયો ઉતારીને વાઇરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો.

સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ અંગે હજી સુધી મને કોઇ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે એટલે તપાસ કરીશું.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની અમાનવીય બેદરકારી બહાર આવતા દર્દીઓના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસરના દર્દી ગીતાબેન પેરાલીસીસની બીમારીથી પીડાય છે. આ દરમિયાન તેમને કોરોનાની સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવા છતાં તબીબો કે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઇ દરકાર લેવામાં આવી નહોતી. મહિલા દર્દીના પતિ જ્યારે વોર્ડમાં તેમની ખબર પૂછવા ગયા, ત્યારે મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોઇને ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ આ અંગે નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી.

ત્યારબાદ મહિલા દર્દીના મોઢા પરથી કીડીઓ હટાવવામાં આવી હતી. મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવાની ઘટના સામે આવતા તેમના પતિએ નર્સિંગ સ્ટાફ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહિલાને પેરાલીસીસ હોવાથી માનવતા રાખવા માટે વિનંતી કરી હતી.

મહિલા દર્દીના પતિએ જણાવ્યું હતું કે, દવાખાનામાં દર્દીનું ધ્યાન રાખવુ પડે ને. આ તો મારૂ ધ્યાન ગયુ એટલે કહું છું, દર્દીને દર્દ હોય તો કોઇને કહી શકે તેમ પણ નથી. અહીં દવાનો છંટકાવ કરતા નથી. મારી પત્ની જીવશે તો મારી જિંદગી ચાલશે. મારો દિકરો પણ નાનો છે. કંઇ પ્રોબ્લમ હોય તો મને કહો અને માનવતા રાખો. તમે કહો તે હું ખાવાનું લઇ આવીશ પણ દર બે કલાકે તેમને કંઇક ખવડાવો. 

દર્દીના પતિને સ્ટાફની મહિલા કહે છે કે, આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે, તમારે પણ ધ્યાન રાખવુ પડે. તમે આવીને મોઢુ લુછી નાખજો.

(5:14 pm IST)