ગુજરાત
News of Thursday, 29th July 2021

ઊંઝામાં વિવિધ એટીએમનો ઉપયોગ કરી ચોરી કરનાર બે શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

ઊંઝા:નાગરિક સહકારી બેંકના એટીએમમાંથી અન્ય ખાતેદારોના કાર્ડનો ઉપયોગ કરી ગેરકાયદે નાણાંની ઉચાપત કરતાં હરિયાણાના  બે શખ્સો રંગેહાથ ઝડપાઈ જતાં તેમને પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે. આ ગુનાના ચાર શખ્સોમાંથી બે શખ્સો હજુ ફરાર છે. વિવિધ ખાતેદારોના ૨૦ જેટલા કાર્ડ સાથે ઝડપાયેલા હરિયાણાના શખ્સોએ છેલ્લા એક મહિનામાં લગભગ રૂપિયા ૩,૬૬,૫૦૦ની રકમ એટીએમમાંથી ઉપાડી ધોળે દિવસે હાથ સફાઈ કરી છે.
ઊંઝા નાગરિક બેંકના મેનેજર બિપીનભાઈ પટેલની ફરિયાદ પ્રમાણે ગયા અઠવાડિયે બેંકના એટીએમમાંથી કોઈ અજાણી વ્યક્તિએ અલગ અલગ બેંકોના ગ્રાહકોના કાર્ડની મદદથી નાણાં ઉપાડેલા હોવાની બેંકોની આવેલી ફરિયાદના આધારે સીસીટીવી ફુટેજની તપાસ કરતાં તા. ૨૫-૬-૨૦૨૦૦થી આજદિન સુધી પાંચ વાર ઊંઝા બેંકના એટીએમમાંથી કાર્ડની મદદથી અલગ અલગ કુલ રૂા. ૩૬૬૫૦૦ની રકમની રકમ ઉપાડેલી હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે વિવિધ બેંકોની આવી રહેલી ફરિયાદના આધારે બેંક દ્વારા આ ઠગાઈ કરનાર યુવકોની વોચ રાખવાનું શરૂ કર્યું હતું. જેમાં ગઈકાલે સાંજે સીસીટીવી ફુટેજમાં દેખાયેલ ચહેરાવાળા બે શખ્સો એટીએમમાંથી રકમ ઉપાડવા આવતાં બેંકના સ્ટાફે એક યુવકને ઝડપી લીધો હતો. જ્યારે બીજો યુવક પરિસ્થિતિને જોઈ ફરાર થવાની કોશિશ કરી હતી. પરંતુ આસપાસમાં પસાર થઈ રહેલા લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડીને બેંકમાં લાવતા બેંક દ્વારા અજાણ્યા હરિયાણાના હિન્દી ભાષી યુવકોને પોલીસને સુપ્રત કર્યા હતા. પોલીસ પુછપરછ દરમિયાન બંને શખ્સોની ખુલેલી વિગતો પ્રમાણે એકનું નામ સંજીતકુમાર ભરતસિંહ શાશી (ઉ.વ.૨૩, રહે. હીસાર, હરિયાણા) તથા બીજાનું નામ સુરેન્દ્રસિંગ બલવીર શાશી (ઉ.વ.૨૮, હીસાર, હરિયાણા)ના ખુલ્યું હતું. પોલીસે તેઓની ઝડતી લેતા તેમની પાસેથી રૂા. ૧૬૨૭૦ની રોકડ રકમ, ૨૦ જેટલા એટીએમ કાર્ડ તથા મોબાઈલ હિતનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:26 pm IST)