ગુજરાત
News of Thursday, 29th July 2021

મહેસાણા નજીક શિવાલા સર્કલ પાસે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરનાર 6 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ

 મહેસાણા: શહેર નજીક શિવાલા સર્કલથી સુવિધા સર્કલ હાઈવે ઉપર ઉમિયા બાયોડીઝલ પંપ ઉપર તથા હેડુવા ગામની સીમમાં બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલ વેચવા બાબતે મહેસાણા એસઓજી પોલીસે રેડ કરી મુદ્દામાલ કબજે લીધો હતો. આ મુદ્દામાલનો પૃથ્થકરણ રિપોર્ટ આવી જતાં મહેસાણા પોલીસે છ ઈસમો સામે એફઆઈઆર દાખલ કરી છે.
આ ગુનાની પોલીસે આપેલી વધુ વિગતો અનુસાર ગત ૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ દિવસ દરમિયાન મહેસાણા શિવાલા સર્કલથી સુવિધા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગ ઉપર હેડુવા ગામની સીમમાં આવેલ બાયો ડીઝલ પંપ ઉપર વગર પરવાનગીએ અને ફાયર સેફ્ટી વગર વાહનોમાં ઈંધણ તરીકે જ્વલનશીલ પદાર્થ વેચતા હોવાની પોલીસને બાતમી મળી હતી.
આ બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી પોલીસે આ કેસમાં ૨૦,૦૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી બાયોડીઝલ કિ.રૂ.૧૩,૦૦,૦૦૦ અને ટેન્કર કિમ રૂ.૭,૦૦,૦૦૦ મળીને રૂ.૨૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ આ જ્વલનશીલ પદાર્થની તપાસ માટે એફએસએલને મોકલી આપેલ. એપ્રિલ માસમાં પકડાયેલ આ જ્વલનશીલ પદાર્થના પૃથ્થકરણનો રિપોર્ટ આવી જતાં એસઓજી એએસઆઈ મનોહરસિંહ વિજયસિંહે મહેસાણા પોલીસ સ્ટેશને આઈપીસી તેમજ પેટ્રોલીયમ એક્ટ તથા આવશ્યક ચીજવસ્તુ ધારાઓ હેઠળ છ ઈસમો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

 

(5:26 pm IST)