ગુજરાત
News of Thursday, 29th July 2021

આણંદના પીપળાવ ગામની સીમમાં રાત્રીના સુમારે આંગડિયા પેઢીના 59.84 લાખની લૂંટના બનાવમાં પોલીસે પાંચ ટીમોને બોલાવી લૂંટારૂઓને શોધવાની કવાયત હાથ ધરી

 આણંદ:જિલ્લાના પીપળાવ ગામની સીમમાં સોમવાર મધ્યરાત્રિના સુમારે આંગડીયા પેઢીના રૂા.૫૯.૮૪ લાખની લૂંટના બનાવમાં પોલીસ દ્વારા પાંચ જેટલી ટીમો બનાવી લૂંટારૂઓનું પગેરું શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ લૂંટ પ્રકરણમાં કોઈ જાણભેદુનો જ હાથ હોવાની પ્રબળ શક્યતા છે ત્યારે થોડા દિવસોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
વધુમાં મળતી માહિતી મુજબ અમદાવાદ તેમજ સુરતની આંગડીયા પેઢીના કર્મચારીઓ ગત સોમવાર મધ્યરાત્રિના સુમારે તારાપુર-આણંદ માર્ગ ઉપરથી કાર મારફતે તારાપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે પીપળાવ ગામની સીમમાં પાછળથી બે કારમાં આવી ચઢેલ ૬ થી ૮ જેટલા લૂંટારું શખ્શોએ આંગડીયા પેઢીના કર્મીઓની કારને અટકાવી ચાર શખ્શોએ આંગડીયા પેઢીના કર્મચારીઓની કારની તોડફોડ કરી કર્મચારીઓ ઉપર મરચાંની ભુક્કી નાખી કારમાંથી અંદાજિત કિંમત રૂા.૫૯.૮૪ લાખના હીરા તથા સોનાના દાગીનાના પડીકાઓની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે સોજિત્રા પોલીસ દફતરે લક્ષ્મણજી કેશુજી બારડે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે સોજિત્રા પોલીસે અજાણ્યા શખ્શો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો અને સોજિત્રા પોલીસ મળી લગભગ પાંચેક જેટલી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસે કારમાંથી મરચાંની ભુક્કી તથા હુમલો કર્યા બાદ રોડ ઉપર ફેંકી દીધેલ લાકડાના ડંડા કબ્જે લઈ એફએસએલની મદદ લઈ તપાસ તેજ કરી છે. સાથે સાથે લૂંટારૂંઓએ વડોદરાની દુમાડ ચોકડીથી આંગડીયા પેઢીના કર્મચારીઓનો પીછો કર્યો હોવાની શક્યતાને લઈ માર્ગ ઉપર આવતા વિવિધ પેટ્રોલપંપ તથા હોટલોના સીસીટીવી ફુટેજ મેળવી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

 

(5:27 pm IST)