ગુજરાત
News of Thursday, 29th July 2021

સુરતના વેપારી પાસેથી ખરીદેલ સાડીના પેમેન્ટનો ચેક રિટર્ન થતા મહિલા સંચાલકને ત્રણ મહિનાની કેદ

સુરત: શહેરના વેપારી પાસેથી ઉધાર ખરીદેલી ડીઝાઈનર સાડીના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં વાપીની અર્ચના બુટીકના મહીલા સંચાલકને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એમ.એમ.શુક્લાએ દોષી ઠેરવી ત્રણ મહીનાની કેદ, ફરિયાદીને લેણી રકમ પેટે રૃ.69,930નું વળતર ત્રીસ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે.
ચારેક વર્ષ પહેલાં રીંગરોડ સ્થિત જય મહાવીર ટેક્સટાઈલ માર્કેટમાં સીમા ડીઝાઈનરના નામે સાડીનો ધંધો કરતા ફરિયાદી કમલેશ વેણીચંદ મેન્ડોટ પાસેથી વાપીના ખોડીયાર નગરમાં અર્ચના બુટીકના આરોપી સંચાલક અર્ચના વિજય બેન્ડુરેએ કુલ રૃ.1.66 લાખની કિંમતના ઉધાર માલની ખરીદી કરી હતી. જેના પાર્ટ પેમેન્ટ પેટે સપ્ટેમ્બર-2018ના રોજ કુલ રૃ.69,930ના કુલ પાંચ ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે આરોપીના નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું પુરવાર કરતાં આરોપી અર્ચના બન્ડુરેને દોષી ઠેરવી કેદ, દંડની સજા કરી હતી. જો આરોપી વળતર ન ચુકવે તો વધુ એક મહીનાની કેદની સજા ભોગવવાનો નિર્દેશ આપ્યો છે.

 

(5:33 pm IST)