ગુજરાત
News of Thursday, 29th July 2021

અમદાવાદમાં હવે સોસાયટીઓમાં રોડ, ગટર અને લાઈટના કામોમાં કોર્પોરેટરનું બજેટ વાપરી શકાશે

સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય : આ પહેલાં માત્ર ધારાસભ્યોની ગ્રાન્ટ વાપરી શકાતી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સોસાયટીમાં રોડ, ગટર કે અન્ય વિકાસના કામો કરવામાં આવે છે જેને 70-20-10ની સ્કીમ કહેવાય છે જેમાં 70 ટકા ખર્ચ સોસાયટી, 20 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને 10 ટકા ખર્ચ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ શકે છે પણ હવે શહેરની સોસાયટીઓમાં રોડ, ગટર અને લાઈટના કામોમાં કોર્પોરેટરનું બજેટ વાપરી શકાશે. પહેલાં માત્ર ધારાસભ્યોની ગ્રાન્ટ વાપરી શકાતી, સ્ટેન્ડિંગ કમિટીએ 70-20-10ની સ્કીમમાં કોર્પોરેટરના બજેટને મંજૂરી આપી છે.

 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોરેન્ટ કંપનીને વિવિધ જરૂરિયાતો માટે આપવાની થતી જગ્યા મુદ્દે નીતિ બનાવવાની દરખાસ્ત મુકાઈ હતી. આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ બાકી રાખી છે. આ સિવાય અન્ય તમામ દરખાસ્ત મંજુર કરાઈ હતી.

આ સિવાય તાકીદના કામ તરીકે શહેરની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામો માટેની જનભાગીદારી સ્કીમમાં કોર્પોરેટરનું 10 ટકા બજેટ વાપરી શકાય તેવો નિર્ણય કરાયો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી આ સ્કીમમાં ધારાસભ્યોના બજેટને મંજૂરી આપવામાં આવતી હતી પણ હવે કોર્પોરેટર પણ પોતાનું બજેટ ફાળવી શકશે. જેથી કેટલીય સોસાયટીઓને ફાયદો થશે.

(7:14 pm IST)