ગુજરાત
News of Thursday, 29th July 2021

ભારે વિરોધ થતા સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો પાછો ખેંચાયો

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં એકાએક 50 રૂપિયા કરી દેવાતા વિરોધ થયો : સ્થાનિક સંસ્થાઓ અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે ભાવ ફરી વખત રિવાઇઝ કરાયો

સુરત :ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ગઈકાલે વધારો કરવામાં આવ્યો હતો. જેનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. જોકે તેના પગલે આજે ફરી આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં એકાએક 50 રૂપિયા કરી દેવાયો.હતો

કોરોના પછી પશ્ચિમ રેલવેને સૌથી વધુ આવક રળી આપતા સુરત રેલવે સ્ટેશન પર પહેલા તો પ્લેફોર્મ ટિકિટ આપવાની જ બંધ કરી દેવામાં આવી હતી. જોકે બાદમાં જયારે પ્લેટફોર્મ ટિકિટ આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે ભાવ સીધા જ 50 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોની ફરિયાદ હતી કે સુવિધાના નામે સુરત રેલવે સ્ટેશન પર મીંડું દેખાઈ રહ્યું છે છતાં આટલો ભાવ ક્યાં કારણોથી રાખવામાં આવ્યો.

એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ પ્લેટફોર્મ ટિકિટ વધારવાના મુદ્દે ભારે ટીકાઓ પણ થઇ હતી. રેલ રાજ્ય મંત્રી દર્શન જરદોષે સુરતને ભેંટ આપી હોવાનો કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો. જોકે રેલવે તરફથી હવાલો એવો આપવામાં આવ્યો હતો કે કોરોનાને કારણે લોકોની બિનજરૂરી ભીડ પ્લેટફોર્મ પર એકત્ર ન થાય તે માટે આ ભાવ રાખવામાં આવ્યો છે.

જોકે સ્થાનિક સંસ્થાઓ અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે ભાવ ફરી વખત રિવાઇઝ કરવામાં આવ્યા હતા. અને આ ભાવ હવે ઘટાડીને 30 રૂપિયા કરવામાં આવ્યા હતા. જોકે ભાવ રિવાઇઝ કરાતા હવે આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે.

(7:41 pm IST)