ગુજરાત
News of Thursday, 29th July 2021

વિદેશોના અટપટા નિયમોમાં કેનેડાથી આવેલું દંપતિ અમદાવાદમાં અટવાયું

હવે ખાસ ફલાઇટ મારફતે અમદાવાદથી સેરબીયા થઇને કેનેડા જવાની ફરજ પડશે: ખર્ચમાં આઠથી દસ ગણો વધારો થશે: કયુઆર કોડ વિના સર્ટીફીકેટને માન્ય નહીં રાખવાના કારણે અનેક અટવાયા

અમદાવાદ : કેનેડાથી અમદાવાદ આવેલું નવયુગલ દંપતિ વિદેશોના અટપટા નિયમોના કારણે અમદાવાદમાં અટવાયું છે. ના છૂટકે ખાસ ફલાઇટ મારફતે અમદાવાદથી સેરબીયા થઇને કેનેડા જવાની ફરજ પડશે. જેના કારણે દંપતિના ખર્ચમાં આઠથી દસ ગણો વધારો થશે. ભારતનું આ એક માત્ર દંપતિ નથી. પરંતુ આવા અનેક ભારતીયો અટવાયા છે. તેમને અન્ય દેશો મારફતે કેનેડા જવાની ફરજ પડી રહી છે. કયુઆર કોડ વિના સર્ટીફીકેટને માન્ય નહીં રાખવાના કારણે આ સ્થિતિ માત્ર ભારતીયો જ નહીં બલ્કે કેનેડામાં વેકસીનેશન લેનારા અન્ય દેશના તમામ નાગરિકોની સર્જાઇ છે. આવા કેસોમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે દરમિયાનગીરી કરીને ભારતીયોને થતી નાહકની પરેશાની દૂર કરવા માટેની ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતાં બિમલ મુકેશભાઇ દવે તથા તેમના પત્ની શ્વેતા હાલ કેનેડામાં પી.આર. વીઝા પર રહે છે. ત્યાં સરકારી કચેરીમાં ફરજ બજાવે છે. તેમણે સીટીઝનશીપ માટેની કાર્યવાહી કરી છે. પરંતુ કોરોનાના કારણે હાલ તે કાર્યવાહી લંબાઇ છે. ગઇ તા.11મી જુલાઇના રોજ નવયુગલ દંપતિ કેનેડાથી અમદાવાદ વાયા દુબઇ થઇને આવ્યા હતા. બંને જણાંએ બંને ડોઝ લીધા હતા. તેનું સર્ટીફીકેટ પણ સાથે હોવાથી તેઓને અમદાવાદ આવવામાં કોઇ તકલીફ પડી ન હતી. પરંતુ ભારતથી સીધા કેનેડા જવા પર 21 જુલાઇ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એટલે અન્ય દેશોમાં થઇને કેનેડા જવાનું રહેશે.

વળી પાછું જે તે દેશનો આરટીપીસીઆર રિપોર્ટ પણ જોઇશે. પાછળથી આ પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો હતો. જેથી આ દંપતિએ 25 જુલાઇની સવારે 4 વાગ્યાની અમદાવાદથી દોહા ( કતાર )ની ફલાઇટમાં બુકીંગ કરાવ્યું હતું. તે માટેના દસ્તાવેજો ઓનલાઇન મોકલ્યા હતા. પરંતુ કતાર ( દોહા ) એમ્બેસીએ કેનેડાના વેકસીનેશન સર્ટીફીકેટમાં કયૂ આર કોડ નહીં હોવાથી ભારતીય નાગરિકના પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી બિમલે દોહા એમ્બેસીમાં વાત કરી હતી ત્યારે તેમણે કેનેડાનું હેલ્થ કાર્ડને સ્વિકારવાનો ઇન્કાર કરી દેતાં જણાવ્યું હતું કે, કેનેડા સર્ટીફીકેટમાં કયૂઆર કોડ નહીં હોવાથી આવું સર્ટીફીકેટ તો કોઇપણ બનાવી શકે છે તેવો મુદ્દો ઉપસ્થિત કરીને પ્રવેશ આપવા નનૈયો ભણી દીધો હતો. જેથી બિમલ દવેએ કેનેડિયન એમ્બેસીમાં

વાત કરી હતી. જો કે તેમણે નોટરી મારફતે એફીડેવીટ કરીને મોકલવાની વાત કરી હતી. આ દંપતિ અમદાવાદમાં છે અને કેનેડામાં નોટરી રૂબરૂ એફીડેવીટ કેવી રીતે કરી શકે. પોતાની કથની રજૂ કરતી શ્વેતા દવેએ વધુમાં કહ્યું કે, ના છૂટકે અમે એજન્ટ મારફતે સ્પેશ્યલ ફલાઇટમાં યુરોપના સેરબિયાનું બુકીંગ કરાવ્યું છે. ત્યાંના નિયમ મુજબ સેરબિયા ઉતરો એટલે આરટીપીસીઆર રિપોર્ટ કરાવવાનો રહેશે. ત્યારબાદ ત્યાં ફોર્થ સ્ટાર હોટલમાં 7 દિવસ કોરોન્ટાઇન રહેવું પડશે.

ત્યારબાદ તેઓ ફરીવાર આરટીપીસીઆર રિપોર્ટ કઢાવ્યા બાદ સેરબિયાથી એમસ્ટરડેમ થઇને ટોરેન્ટો ( કેનેડા ) જવાનું રહેશે. આમ આ બધી કાર્યવાહીના કારણે સમયની સાથે ખર્ચ પણ 8થી 10 ગણો વધી જશે. આવી જ સ્થિતિ દરેક ભારતીય નાગરિકની હાલ થવા લાગી છે. આ પરિસ્થિતિનો લાભ લેવાનો એરલાઇન્સ તેમ જ અન્ય દેશો પણ છોડતાં નથી.

(8:21 pm IST)