ગુજરાત
News of Thursday, 29th July 2021

જામીન પર છૂટીને ચિટરની જૂનમાં ૨૦ લાખની ઠગાઈ

કરોડોની છેતરપિંડી કરનારાના કરતૂત : આ વખતે પણ આરોપીએ ભોગ બનનારાના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની ડિટેઇલ મારફત મોંઘા ડિવાઇસ ખરીદ્યા

અમદાવાદ, તા.૨૯ : આપણે સામાન્ય રીતે એવું ધારતા હોઈએ છીએ કે જો કોઈ આરોપી જામીન પર બહાર નીકળે તો તે ખૂબ સામાન્ય જીવન પસાર કરવા માટે પ્રયાસરત હોય છે અને ભૂલથી ક્યાંક કોઈ બીજો ગુનો આચરી બેસે તે માટે સાવધાન રહે છે. જોકે અમદાવાદના ફક્ત ૧૨ ધોરણ પાસ ભેજાબાજ હર્ષવર્ધન પરમાર માટે શક્ય હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ જેટલા દેશોના કુલ ૨૫૦૦૦ લોકો સાથે છેતરપીંડી આચરીને આશેર રુ. કરોડની કિંમતની વસ્તુઓ ખરીદી તેને સ્થાનિક માર્કેટમાં વેચી નાખવાના કેસમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

શહેરના ઈશનપુર વિસ્તારનો રહેવાસી ૨૧ વર્ષનો પરમારે જેવો જામીન પર છૂટ્યો કે પરત પોતાના ગોરખધંધા શરું કરી દીધા છે અને પોતાના શિકારના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ મારફત લાખો રુપિયાની વસ્તુઓ ખરીદીને સ્થાનિક દુકાનોમાં વેચી છે. પોલીસે કહ્યું કે, અમારું માનવું છે કે જૂન મહિના દરમિયાન પરમારે રુ. ૨૦ લાખની છેતરપિંડી આચરી છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે તેણે આશ્રમ રોડ અને ઇસ્કોન ક્રોસ રોડ પરથી જુદા જુદા શો રુમમાંથી અનેક વસ્તુઓની ખરીદી કરી છે જેમાં મોંઘી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ સામેલ છે. પોલીસે અધિકારીએ ઉમેર્યું કે, ' વખતે પણ પરમારે પહેલા જેવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો છે. તેણે વખતે પણ તેના ભોગ બનનારના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની ડિટેઇલ મારફત મોંઘા ડિવાઇસ ખરીદ્યા છે જેને તેણે પછી સ્થાનિક દુકાનદારને વેચી દીધા છે અથવા તો પોતાના કોઈ મિત્રને ગિફ્ટ કર્યા છે. જોકે અમે તેને સાણસામાં લેવા માટે પૂરતા પૂરાવા ભેગા કરી રહ્યા છીએ.'

શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે અમે પરમાર સામે પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટી એક્ટ(પાસા) હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ. કારણ કે તે એક રિઢો ગુનેગાર બની ગયો હોવાનું તેના વર્તન પરથી સામે આવી રહ્યું છે. જો પોલીસ પરમાર સામે પાસા હેઠળ ગુનો નોંધશે તો તે કદાચ કાયદા હેઠળ પહેલો એવો આરોપી હશે જેના કોઈપણ પીડિત હજુ સુધી પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા આવ્યા નથી.

૨૧ વર્ષના ભેજાબાજે ફક્ત ૧૦૦ દિવસમાં રુ. કરોડનું સ્કેમ કરી નાખ્યું હતું. તેણે ખેલ એવી ચાલાક રીતે પાર પાડ્યો હતો કે તેના ભોગ બનેલા ઘણા લોકોને તો હજુ ખબર પણ નહીં પડી હોય કે બેંકમાં રહેલા તેમના રુપિયાનું ખરેખર શું થયું છે. તેમ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું. ફક્ત ધો. ૧૨ પાસ અને સામાન્ય પરિવારમાંથી આવતો પરમાર કેટલી હદે ચાલક હશે કે તેની સામે કેસ તૈયાર કરવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો પણ તેની દરેક ઓફલાઈન અને ઓનલાઈન મૂવમેન્ટ પર ધ્યાન રાખી રહી છે.

પરમારે ત્યારે ગુજરાતભરના સમાચારોમાં મથાળે ચમક્યો હતો જ્યારે ગત માર્ચ ૨૦૨૧માં શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્ડ બાયિંગ સ્કેમમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને એક ઇનપુટ મળ્યું હતું કે અમદાવાદમાંથી કોઈ પરંપરાગત ઇન્ટરનેટ સર્વિસના એક્સેસને બાયપાસ કરીને ડાર્ક વેબ એક્સેસ કરી રહ્યું છે. તેની પાસેથી મળેલા લેપટોપનું એનાલિસીસ કરીને સાયબર નિષ્ણાંતોએ જાણ્યું કે ગઠિયાએ અમેરિકા, યુકે, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ઘાના સહિત ૪૦થી વધુ દેશના લોકો સાથે સ્કેમ કર્યું છે. ગુનો આચરવાની તેની મોડસ ઓપરેન્ડી પોલીસના સાયબર સેલ સામે આવી જેને જોઈને મોટા મોટા નિષ્ણાંતો પણ માથું ખંજવાળતા રહી ગયા હતા. તે સમયે પરમારની મોડસ ઓપરેન્ડી અંગે વધુ માહિતી આપાતાં પોલીસે જણાવ્યું કે પરમાર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વિગતો ખરીદતો હતો - રશિયન હેકરો દ્વારા ચલાવવામાં આવતી વેબસાઇટ્સ પરથી કાર્ડ નંબર, સીવીવી અને એક્સપાયરી ડેટ વગેરે મેળવતો હતો. તે કાર્ડધારકના ખાતામાં રહેલી રકમ અને બેંક કયા દેશમાં આવેલી છે તેના આધારે હેકર્સને ૧૦ ડોલર (આશરે રુ. ૭૫૦) થી ૧૦૦ ડોલર (આશરે રુ. ૭૫૦૦) સુધીની ચુકવણી કરતો હતો.

(8:52 pm IST)