ગુજરાત
News of Thursday, 29th July 2021

અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડની ચૂંટણી: AIMIMના કોર્પોરેટરે ફોર્મ પરત ખેંચતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બિનહરિફ

AIMIMના કોર્પોરેટર શરીફખાન પઠાણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના 12 સભ્યોની બેઠકો માટે ભાજપના 11 સભ્યોએ, કોંગ્રેસના 1 સભ્યએ અને AIMIMના 1 સભ્યએ ઉમેદવારી નોંધાવી હતી પણ હવે તા.5મી ઓગસ્ટના રોજ સ્કૂલ બોર્ડના સભ્યો માટે ચૂંટણી થશે નહીં તેવી આજે મેયર કિરીટ પરમારે જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો માટે 13 ઉમેદવારો નોંધાયા છે. આ તમામ ફોર્મની ચકાસણી આજે થઈ હતી. AIMIMના કોર્પોરેટર શરીફખાન પઠાણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે જેથી હવે ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્યને બિનહરિફ થઈ ગયા છે. 5મી ઓગસ્ટે 12 સભ્યોને બિનહરિફ વિજેતા ઘોષિત કરાશે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો માટે ચૂંટણી યોજાશે જે પૈકી એક બેઠક એસસી-એસટી માટે રિઝર્વ છે જ્યારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતાં નાગરિકો માટે ત્રણ બેઠકો રિઝર્વ કરવામાં આવે છે જ્યારે આઠ બેઠકો સામાન્ય હોય છે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતુ કે, અનુસુચિત જાતિ અને જનજાતિની એક બેઠક ઉપર એક જ ફોર્મ આવ્યું હતુ. મેટ્રીક્યુલેશન કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતની ત્રણ બેઠકો માટે ત્રણ ફોર્મ આવ્યા હતા.

જ્યારે સામાન્ય કેટેગરીની 8 બેઠકો માટે નવ ફોર્મ આવ્યા હતા જેની સામે 9 ફોર્મ આવ્યા હતા પણ આ પૈકી  AIMIMના કોર્પોરેટરે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે જેથી હવે ભાજપના 11 અને કોંગ્રેસના 1 મળી કુલ 12 સભ્યોને બિનહરિફ ઘોષિત કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ.ના શાસક પક્ષ ભાજપ દ્વારા સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે વિપુલ સેવક અને વાઇસ ચેરમેન તરીકે સુજય મેહતાના નામ મૂકાયાં છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના બિનહરિફ સભ્યોના નામ

સભ્યનું નામ પક્ષ શૈક્ષણિક લાયકાત
વિપુલ સેવક ભાજપ એમ.કોમ. બીએડ
ડો. સુજોય મહેતા ભાજપ બીએચએમએસ
નવીન પટેલ ભાજપ બીએ બીએડ
ઘનશ્યામ પટેલ ભાજપ બીએસસી બીએડ
મુકેશ પરમાર ભાજપ ટીવાયબીએ
અભય વ્યાસ ભાજપ એચએસસી
જીગર શાહ ભાજપ ટીવાયબીએસસી
અમૃત રાવલ ભાજપ બીએ બીએડ
યોગીની પ્રજાપતિ ભાજપ ટીવાયબીએ
લીલાધર ખડકે ભાજપ ટીવાયબીએ
સુરેશ કોરાણી ભાજપ એચએસસી
કિરણકુમાર ઓઝા કોંગ્રેસ 12 પાસ

(8:58 pm IST)