ગુજરાત
News of Saturday, 29th August 2020

ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા આપત્તિના સમયે ખેડૂતોના પડખે ઉભી રહેલી રાજ્ય સરકારે અનેક ખેડુતલક્ષી નિર્ણયોના પરિણામે રાજ્યના ખેડૂતો સમૃધ્ધ થયા - નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉંઝા એ.પી.એમ.સી ખાતે કિસાન સંમેલન કાર્યક્રમ યોજાયો : ઉંઝા,વડનગર,ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડુતોને માર્ગદર્શિત કરાયા : નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉંઝા ખાતે પંચ વિકાસ કામોના લોકાર્પણ

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે તથા આપત્તિના સમયે ખેડૂતોના પડખે ઉભી રહેલી રાજ્ય સરકારે અનેક ખેડુતલક્ષી નિર્ણયોના પરિણામે આજે રાજ્યના ખેડૂતો સમૃધ્ધ થયા છે. રાજ્ય સરકારે તાજેતરમાં ખેડુતલક્ષી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજના થકી ખેડુતો કુદરતી આપત્તિમાં થયેલ પાક નુંકશાનનો સરળતાથી લાભ મળી જાય છે. સાથે સાથે આ યોજના થકી ખેડુતોને પાક વીમાનું પ્રિમીયમ પણ ભરવું પડતું નથી.

  મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉંઝા ખાતે વિકાસ કામોના લોકાર્પણ અને ખેડુત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે  કિસાનોના વ્યાપક હિત અને ખેડુતોના કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાયાં છે. સાત પગલા થકી વિવિધ યોજનાઓ દ્વારા ખેડુતોના ઉત્કર્ષ માટે સરકાર પ્રયત્નશીલ રહી છે.

   નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે કિસાન સહાય યોજનાની માહિતી આપતાં ખેડુત સંમેલનમાં જણાવ્યું હતું હતું કે આ યોજનાથી રાજ્યના ૫૬ લાખ જેટલા ખેડુતો લાભાર્થી બન્યા છે..કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડૂતોનો સમાવેશ  કરવામાં આવેલ છે.

  નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે કોરોનાની સારવાર અને નિયંત્રણની સાથે વિકાસ પણ કરવાનો છે. સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત આર્થિક સહાય આપી રહી છે. રાજ્યના ખેડુતોને  ઝીરો ટકા ધીરાણ આપી ખેડુત ઉત્કર્ષ માટે સરકારે હમેશાં કટિબધ્ધતા બતાવી છે.

 નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાજ્યનો કૃષિ વિકાસ દર ૯.૩ ટકા છે તેમજ રાજ્યના ખેડુતોની આવક ૧૩ હજારથી વધીને ૦૧ લાખ ૭૦ હજાર કરોડ થઇ છે. ગુજરાત કપાસ,મગફળનું ૩૦ ટકા ઉત્પાદન કરે છે. આ ઉપરાંત દિવેલા,વરીયાળી.પપૈયા,દાડમ,ઇસબગુલ,જીરૂ, બટાકા,આદુ જેવા વિવિધ પાકોમાં રાજ્ય અને જિલ્લો મોખરે છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત ખેડુતોને ખેડુતોના હિત માટે લીધેલ સાત પગલાંની યોજનાઓ કિસાન પરિવહન યોજના,મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના,ટપક સિંચાઇ મારફત પાણીના કરકસર ઉપયોગ માટે કોમ્યુનિટિ બેઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના,ખેડુતો અને ખેત મજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના,દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબોને નિભાવ ખર્ચ માટે સહાય યોજના,પ્રાકૃતિક કૃષિ પ્રધ્ધતિ-જીવામૃત બનાવવા કીટ માટે સહાય યોજના અને વિનામૂલ્યે છત્રી અને શેડ કવર પુરા પાડવા માટેની યોજનાની વિગતે માહિતી આપી હતી.

    નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, લોકોના આરોગ્યની સુખાકારી સરકારની જવાબદારી છે. રાજ્ય સરકારે કોરોના વાયરસ સંક્રમણ  અટકાયતી માટે લીધેલ પગલાંની નોંધ લેવાઇ છે. રાજ્યમાંરાજ્યમાં આજે કોરોનાના દૈનિક ૭૦ હજાર ટેસ્ટ થઇ રહ્યા છે તેમજ કોરોના પોઝીટીવ રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતે કરેલ કોરોનામાં કામગીરીને  કેસોમાં ઘટાડો અને રીકવરીમાં વધારો થતાં  રાજ્ય બીજા નંબરથી આરોગ્ય ૧૫ નંબરે આવેલ છે.રાજ્યમાં ૭૧ હજાર લોકો ઘનિષ્ટ સારવાર થકી કોરોનાને મ્હાત કરી સ્વસ્થ થયા છે.

   ઉંઝા ખાતે નાયબ મુખ્યમંત્રીએ રૂ.૮૫.૭૫ કરોડના ખર્ચે બનેલ બે રેલ્વે ઓવરબ્રિજ ભારત સરકારના રેલ્વે વિભાગ હેઠળ ડી.આર.એફ.સી.સી તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે પાલનપુર સ્ટેટ હાઇવેથી ભરતનગર સોસાયટી રસ્તા પર નિર્મિત રેલ્વે ઓવરબ્રિજ તેમજ ઉંઝા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ રસ્તા પર નિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. તેમજ રૂ. ૬૩૪ લાખના ખર્ચે નિર્મિત ઉંઝા તાલુકાના લોકોની આરોગ્યની સુખાકારી માટે નવીન જનરલ હોસ્પિટલના મકાનનું લોકાર્પણ કર્યું હતું .ગુજરાત પ્રવાસન નિગમ લિમેટેડ દ્વારા ઊંઝામાં વિશ્વપ્રસિદ્ધ મા ઉમિયા માતાના મંદિરમાં રૂ.૭.૫૦ કરોડના ખર્ચે બનાવેલા ઉમિયા યાત્રીભવન તથા ઉમિયા દ્વારનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, 

   ઉંઝા ખાતે ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી હતી.તેમજ ઉંઝા જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વોરીયર્સનું સન્માન અને  સિવિલમાં દાન આપનાર દાતાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

  આ કાર્યક્રમમાં ઉંઝા  તાલુકા વરવાડા ખાતે પાણી અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના ૦૨ વારસદારોને રૂ ૦૪ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉંઝા તાલુકાને કેન્દ્ર સરકાર તરફથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત કિસાન સશક્તિકરણ પુરસ્કાર મળેલ છે.જે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જિલ્લા વિકાસ અધિકારી  એમ.વાય.દક્ષિણીને આપ્યો હતો.

  મહેસાણા જિલ્લામાં યોજાયેલ વિકાસ કામો અને કિસાન સંમેલનમાં સંસદ શારદાબેન પટેલ,ધારાસભ્ય સર્વે ડો.આશાબેન પટેલ,અજમલજી ઠાકોર,અગ્રણી સોમભાઇ મોદી,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,વિવિધ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો,અગ્રણીઓ,પ્રબુધ્ધ નાગરિકો,ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

(9:14 pm IST)