ગુજરાત
News of Saturday, 29th August 2020

મધ્ય ભારત સિવાય દેશના બાકીના રાજયોમાં ચોમાસુ નબળુ રહેશેઃ ગુજરાતમાં આજથી ત્રણ દિ' વરસાદી માહોલ

વેલમાર્ક લો- પ્રેસર નબળુ પડી હવાના હળવા દબાણ સ્વરૂપે મધ્યપ્રદેશ ઉપર છે : ૨૪ કલાક જોર રહયા બાદ વરસાદની માત્રામાં ઘટાડો થશેઃ રાજસ્થાનમાં પણ મુશળધાર વરસશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ સિવાય દેશના બાકીના રાજયોમાં નેઋત્યનું ચોમાસુ નબળુ રહેશે. ગુજરાતમાં આજથી ત્રણેક દિવસ ફરી વરસાદી એકટીવીટી જોવા મળશે. ૨૪ કલાક બાદ વરસાદની માત્રામાં ઘટાડો થશે. જયારે રાજસ્થાનમાં પણ સારો વરસાદ પડશે તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારાક જણાવાયું છે.

નેઋત્ય ચોમાસાનો ત્રીજો મહિનો તેના અંતિમ ચરણમાં છે. અત્યાર સુધીમાં દેશભરમાં સામાન્યથી વધુ નોંધાયો છે. જેમાં દક્ષિણ ભારતમાં ૨૩ ટકા, મધ્ય ભારત ૧૬ ટકાનો વધારો જયારે પૂર્વોતર ભારતમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આગામી બે- ત્રણ દિવસ વરસાદની સ્થિતિ જોઈએ તો વેલમાર્ક લો- પ્રેસર નબળુ બનીને હવાના હળવા દબાણમાં પરીવર્તીત થયું છે અને મધ્યપ્રદેશ ઉપર છે. આ સિસ્ટમ્સની અસરથી મધ્ય ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગો અને ગુજરાતને અડીને આવેલા ભાગોમાં આવતીકાલે પણ વરસાદનું જોર જોવા મળશે.

સાથોસાથ દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પણ મધ્યમ વરસાદ પડશે. ઉલ્લેખનિય છે કે રાજસ્થાનમાં જુલાઈના અંતિમ અને ઓગષ્ટના પ્રારંભના દિવસોમાં વરસાદમાં ઘટાડો જોવા મળેલ તેમાં આંકડાઓમાં સુધારો થશે.

જયારે ગુજરાતમાં તા.૨૯, ૩૦, ૩૧ (શનિ- રવિ- સોમ) ચોમાસુ સક્રીય રહેશે. અનેક સ્થળોએ વરસાદની સંભાવના છે. જો કે ૨૪ કલાક બાદ વરસાદની માત્રામાં ઘટાડો આવશે. કારણ કે આ સિસ્ટમ્સ એમ.પી. થી ઉત્તર તરફ ગતિ કરી રહી છે અને રાજસ્થાનમાં અસરકર્તા રહેશે. જયારે દેશના બાકીના ભાગોમાં ચોમાસુ નબળુ રહેશે.

(1:10 pm IST)