ગુજરાત
News of Saturday, 29th August 2020

અમદાવાદ એરપોર્ટ પર હાઇ રિઝોલ્યુશન થ્રીડી ઇમેજથી લગેજનું સ્ક્રીનિંગ થશે

પ્રવાસીઓની સુવિધામાં વધારો

અમદાવાદ,તા. ૨૯: હવાઇ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ંડગમાં પેસેન્જરે પ્રવેશ કર્યા બાદ બોર્ડિંગ પાસે લઇ કોન્વોય બેલ્ટ પર લગેજ મુકવાનું હોય છે. બેલ્ટ પર લગેજ મુકયા બાદ તે કોન્વોય બેલ્ટની મદદથી કમ્પ્યુટર ટોમોગ્રાફી એકસ રે મશીનમાં પ્રવેશ કરે છે. હવે એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી જતા પ્રવાસીઓના લગેજ સ્ક્રીનિંગ કરવા માટે ઓનલાઇન લગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

હવેથી પેસેન્જરના લગેજ કમ્પ્પુટર ટોમોગ્રાફી એકસ રે મશીન દ્વારા હાઇ રિઝોલ્યુશન થ્રી ડી ઇમેજની મદદથી સ્ક્રીનિંગ થશે.

કમ્પ્યુટર ટોમોગ્રાફી એકસ રે મશીન ફીટ કરવામાં આવ્યા છે. જે કોઇ પણ લગેજની થ્રી ડી હાઇ રિઝોલ્યુશન ઇમેજ આપી તેનું ૩૬૦ ડિગ્રી સાથે સ્ક્રીનિંગ કરે છે. પેસેન્જરોનો સમય બચવાની સાથે સુરક્ષા વધુ મજબુત થશે.

આમ કન્વેયરબેલ્ટ પર લગેજનું દરેક એંગલથી ઓટોમેટિક સ્ક્રીનિંગ થશે. આ મશીનમાં નાનામાં નાની જોખમી વસ્તુ પણ સ્ક્રીનિંગમાં પકડાઇ જશે. આ મશીનનું મોનિટરિંગ કંટ્રોલ રૂમમાં સુરક્ષા જવાનો દ્વારા કરવામાં આવશે. જો કોઇ પણ લગેજમાં શંકાસ્પદ વસ્તુ જણાશે. તો જે પેસેન્જરનું લગેજ હશે તેની મેન્યુઅલ તપાસ કરાશે.

આ મશીન લગેજ પર લગાવેલ ટેગ પણ જાતે જ રીડ કરશે અને લગેજ એરક્રાફટ સુધી પહોંચે ત્યાં સુધીનું નિરીક્ષણ કંટ્રોલ રૂમ દ્વારા કરાશે. આ મશીનમાંથી ઓકે થયા બાદ તે લગેજ સીધો ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વિમાન સુધી પહોંચાડી દેવામાં આવશે. અત્યાર સુધી લગેજ સ્ક્રીનિંગ દરમિયાન કોઇ ચીજ વસ્તુ કિલયર ન દેખાય તો મુસાફરે બેગ ખોલવી પડતી હતી અને સમાન વેર વિખેર થવાની શકયતા હતી. પરંતુ થ્રીડી ઇમેજ સ્ક્રીનિંગને કારણે હવે મુસાફરોને આવી તકલીફ ઓછી પડશે.

(3:44 pm IST)