ગુજરાત
News of Saturday, 29th August 2020

પાલનપુરમાં વિકાસ નકશાના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણુ થયાના આક્ષેપો સાથે ભાજપ મોવડીઓએ વિકાસ નકશો રદ્દ કરવાની કવાયત હાથ ધરતા ખળભળાટ

બનાસકાંઠા: ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો નવો વિકાસ નકશો વિવાદની એરણે ચડ્યો હતો. વિકાસ નક્શાના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું થયાના આક્ષેપો સાથે ખુદ ભાજપના મોવડી મંડળે વિકાસ નકશો રદ કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે વિકાસ નકશામાં એરિયા ડેવલોપમેન્ટના નિયમોનું પાલન ન કરાતા વિકાસ કમિશનરે વિકાસ નકશો પરત કરતાં બિલ્ડર લાંબી સહિત પાલિકાના કૌભાંડીઓમાં ખળભળાટ મચી ગયો છે.

પાલનપુર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ વિકાસ નક્શો વિવાદોને લઈ ગાંધીનગર વિકાસ કમિશ્નરે પરત મોકલતા પાલનપુર પાલિકાને ફરી નવેસરથી તમામ પ્રક્રિયામાંથી પસાર થવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના જુના વિકાસ નક્શાની મુદત પૂર્ણ થતાં પાલિકા દ્વારા સૂચિત નવીન વિકાસ નક્શો તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે શાસકો દ્વારા નવા વિકાસ નકશામાં નિયમ વગર કેટલોક વિસ્તાર ગ્રીનબેલ્ટમા મૂકી ખેડૂતો અને અનેક લોકોને અન્યાય તો કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તેમજ શહેરના ડીપી રોડમાં છેડછાડ કરવામાં આવી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. સાથે જ અનેક અરજદારો અને ખેડૂતોએ પાલિકા ભૂતકાળમાં ગજવી હતી. ગાંધીનગર વિકાસ કમિશ્નરે વિવાદિત નકશામાં સૂચનાઓનું પાલન યોગ્ય રીતે કરાયું ન હોઇ તેમજ નક્શામાં ક્ષતિઓ હોઈ પાલનપુર નગર પાલિકાના વિકાસ નક્શાને પરત કરતા બિલ્ડર લોબી હચમચી ઉઠી છે. તો અરજદારોમાં ખુશી ફેલાઈ છે.

આ વિશે અરજદાર ખેડૂત અશ્વિનભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા બિલ્ડર લોબીને ફાયદો કરાવવા માટે ખોટો નક્શો બનાવવામાં આવ્યો હતો, જેનો અમે 1 હજાર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભ્રષ્ટ નગરપાલિકા દ્વારા ગીનબેલ્ટને પણ ફેરવી દેવાયો હતો એની સામે અમે વિરોધ કર્યો હતો અને આખરે નકશો પરત ફર્યો છે.

જોકે વિવાદિત વિકાસનો નક્શો પરત ફરતા પાલનપુર પાલિકાના પ્રમુખ અશોક ઠાકોરે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, અમારા તત્કાલીન નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરના કારણે આ નકશો ખોટો બન્યો હતો. એટલે પાછો આવ્યો છે અને આમાં કોઈ બિલ્ડરો પાસેથી રૂપિયા લીધા છે તે વાત ખોટી છે અને હવે નગર નિયોજનના માર્ગદર્શન હેઠળ નકશો બનશે. તે અમને મંજૂર રહેશે. ચીફ ઓફિસર અને એન્જિનિયરની ભૂલના કારણે નકશો ખોટો બન્યો હતો.

પાલનપુર નગરપાલિકા દ્વારા બનાવેલ શહેરના વિકાસના નક્શાને લઈને અનેક ખેડૂતો અને લોકોએ નગરપાલિકાના પ્રમુખ અશોક ઠાકોર સામે અનેક રજૂઆતો કરી હતી. જોકે તે વખતે વિકાસ નક્શાના સૂત્રધાર તેઓ હતા, પણ હવે જ્યારે નકશો પરત ફર્યો છે ત્યારે તે હાથ ઊંચા કરતા હોવાથી અનેક શંકાઓ ઉભી થાય છે. ત્યારે હવે નગર નિયોજનના માર્ગદર્શન હેઠળ બનનાર નવા વિકાસ નક્શામાં કોઈ ગરબડી ન થાય તે જરૂરી છે.

(5:04 pm IST)