ગુજરાત
News of Tuesday, 29th September 2020

સુરતનો અઠવા પોશ ઝોન કોરોનાનો હોટસ્પોટ બન્યો

આઠવા ઝોનમાં સૌથી વધુ કેસ થઈ ગયા : આઠવા વિસ્તારમાં સૌથી વધુ ૩૭૦૯ કેસ થઈ ગયા છે અને આ સાથે આઠવાએ કામરેઝ ઝોનને પાછળ રાખી દીધો

સુરત ,તા.૨૮ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સુરતમાં સૌથી વધારે દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં સુરતનો પોશ વિસ્તાર આઠવા હવે કોરોનાનું હોટસ્પોટ બની ગયો છે. હવે આઠવા વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૩૭૦૯ કેસ થઈ ગયા છે અને આ સાથે જ આઠવાએ કામરેઝ ઝોનને પાછળ રાખી દીધો છે જ્યાં ૩૬૫૪ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દૈનિક કેસ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં સુરત બાદ અમદાવાદમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં આઠવા ઝોનમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર ૧ સુધી આઠવા ઝોનમાં ૨૩૯૩ કેસ નોંધાયા હતા જે વધીને ૨૬ સપ્ટેમ્બર સુધીમાં ૩૭૦૯ કેસ થઈ ગયા છે. આમ હવે આઠવા ઝોન સુરતમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતો વિસ્તાર બની ગયો છે.

             એસએમસી કમિશનર બંચ્છાનિધી પાનીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઠવા ઝોનમાં વધી રહેલા કેસને જોતા કોવિડ-૧૯ને નિયંત્રણમાં રાખવા માટે અમે ત્રણ ટીમો બનાવી છે. આઠવા ઝોનમાં ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી હોવાના કારણે કેસની સંખ્યા વધી છે. તેમણે કહ્યું હતું કે ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા મોટા ભાગના લોકો આ ઝોનમાં રહે છે. અમે આઠવા ઝોનમાં ત્રણ ટીમો મૂકી છે. કોવિડ-૧૯ના વધુમાં વધુ કેસ ડિટેક્ટ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આઠવા ઝોન ઉપરાંત સિટી લાઈટ, આલ્ઠાન અને વેસુ હવે કોવિડ-૧૯ હોટસ્પોટ બન્યા છે અને સૌથી વધુ કેસ આ વિસ્તારમાંથી નોંધાયા છે. અમે ટેક્સ્ટાઈલ માર્કેટ્સમાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત લોકો માસ્ક પહેરે, સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાનલ કરે તે સુનિશ્ચિત કરવા માટે એન્ફોર્સમેન્ટ ટીમો આઠવા ઝોનમાં તૈનાત કરવામાં આવી છે. આ ગાઈડલાઈન લોકોને કોરોનાના ચેપથી બચાવશે.

(9:29 pm IST)