ગુજરાત
News of Tuesday, 29th September 2020

કાલે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની બેઠક: ચૂંટણીમાં મહિલાઓની પણ સક્રિય ભૂમિકા

ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબેનની વર્ચ્યુઅલ મીટિંગ: આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહિલાઓનો ફાળો અને ભૂમિકા અંગે માર્ગદર્શન

 

અમદાવાદ: ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં કાલે બપોરે 4 વાગ્યે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની વર્ચ્યુઅલ બેઠક યોજાશે. જેમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહિલાઓનો ફાળો અને ભૂમિકા અંગે માર્ગદર્શન આપવાની જાહેરાત કરાઇ છે. તેની સાથોસાથ મહિલા સંગઠનને વધુ મજબૂત કરવા ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારી ગુજરાતની ચુંટણીમાં મહિલાઓને પણ સક્રિય ભૂમિકા ભજવવાના પાઠ શિખવાડવામાં આવશે.

પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, કાલે બપોરે 4 કલાકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની વર્ચ્યુઅલ બેઠક યોજાશે.

જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુઅલ બેઠકમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહિલાઓનો ફાળો અને ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં રાજ્યભરમાંથી ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો વિશાળ સંખ્યામાં જોડાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, નવનિયુક્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ નિમણૂંક થતાંની સાથે જ ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો હતો. જો કે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક વગર કાર્યકરો ભાગ લેતાં હોવાથી સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટમાં સંક્રમણ થવાના લીધે જ કોરોના ફેલાયો હોવાના આરોપો લાગ્યા હતા. ત્યારબાદ તેમણે ઉત્તર ગુજરાત પ્રવાસનું ખેડાણ કર્યું હતું. ત્યારપછી ફરીવાર સૌરાષ્ટ્રનો પ્રવાસ હતો પરંતુ તેમને કોરોના પોઝિટિવ આવતાં પ્રવાસ રદ્દ કરવો પડયો હતો. તે જ રીતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા તરીકે ડો. ભારતીબેન (Dr. Bharti Shiyal)ની નિમણૂંકને લઇને પણ કાર્યકરો દ્વારા ગરબાં કરીને કોવિડ ગાઇડલાઇનનો ભંગ થયો હતો. આખરે ગુજરાતનો પ્રવાસ કરવાના બદલે મહિલાઓને એક જ સ્ટેજ પરથી માર્ગદર્શન આપવા માટે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ચુંટણી બાદ જો કોર્પોરેશનની ચૂંટણી આવે તે પહેલાં ભાજપ દ્રારા નવા માળખું ઊભુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે. હાલ તો હવે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીને પ્રાધાન્ય આપવામાં આવશે.

(9:56 pm IST)