ગુજરાત
News of Thursday, 29th September 2022

અમેરિકા જવા વિઝિટર વિઝા મેળવવા છે? અપોઈન્‍ટમેન્‍ટ માટે છેક ૨૦૨૫ સુધી રાહ જોવી પડશે

જો તમે પણ અમેરિકા જવા માટે વિઝિટર્સ વિઝા મેળવવા માંગતા હોવ તો બે વર્ષ સુધી રાહ જોવા તૈયાર રહેજો : વિઝિટર્સ વિઝા માટે અપોઈન્‍ટમેન્‍ટ લેવાનો પ્રયત્‍ન કરી રહ્યા છે પરંતુ તેમને નવેમ્‍બર ૨૦૨૪ અથવા ૨૦૨૫ની અપોઈન્‍ટમેન્‍ટ મળી રહી છેઃ પોતાના બાળકોને મળવા જવા માંગતા માતા-પિતા માટે આ સમસ્‍યા વધારે મુશ્‍કેલ બની છે

અમદાવાદ, તા.૨૯: ૫૬ વર્ષીય રાજુ ગઢવી અને તેમના પત્‍ની ૪૫ વર્ષીય ધારા એપ્રિલ ૨૦૨૦માં અમેરિકાની વિઝા મેળવવા માટે જવાના હતા, પરંતુ કોરોના મહામારીને કારણે લોકડાઉન હોવાથી તેમની અપોઈનમેન્‍ટ રદ્દ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તે સમયે દેશભરમાં અને દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્‍યુ હતું. સમયની સાથે લોકડાઉન હટાવવામાં આવ્‍યું, કોરોનાની સ્‍થિતિ પણ હવે સામાન્‍ય થઈ ગઈ છે, પરંતુ આ દંપતીની વિઝાનું હજી કોઈ ઠેકાણું નથી પડ્‍યું. જો આ દંપત્તી સૌથી પહેલી કોઈ તારીખ નક્કી કરે તો પણ તેમને નવેમ્‍બર, ૨૦૨૪ની અપોઈનમેન્‍ટ મળે છે.

રાજુ ગઢવી જણાવે છે કે, અમારો એકમાત્ર દીકરો અભ્‍યાસ માટે અમેરિકા ગયો હતો. તેનો અભ્‍યાસ પૂરો થઈ ગયો અને તેને નોકરી પણ મળી ગઈ છે. આટલુ જ નહીં તેણે ત્‍યાં ઘર અને કાર પણ ખરીદી લીધા છે. અમે તેને મળવા માટે આતુર છીએ પરંતુ અમને દૂર દૂર સુધી તેની કોઈ સંભાવના જણાતી નથી. કોવિડ પછી હવે ધીરે ધીરે દુનિયાભરમાં સ્‍થિતિ સામાન્‍ય થઈ રહી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અમેરિકા જેવા એડવાન્‍સ્‍ડ દેશમાં હજી સુધી આ બેકલોગની સમસ્‍યાનું નિરાકરણ નથી આવી શક્‍યું.

ઉલ્લેખનીય છે કે મોટી સંખ્‍યામાં ગુજરાતીઓ અમેરિકામાં વસવાટ કરે છે. વિઝિટર્સ વિઝા લઈને પોતાના સ્‍વજનો પાસે જવા માંગતા ગુજરાતીઓ માટે આ પ્રક્રિયા લગભગ અસંભવ બની ગઈ છે. જો કોઈ વિઝા માટે અરજી કરે તો પણ ૨૦૨૪ની અપોઈન્‍ટમેન્‍ટ મળી રહી છે. આટલુ જ નહીં, વિઝા કન્‍સલ્‍ટન્‍ટ્‍સનું કહેવું છે કે, હવે સ્‍થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મોટાભાગના લોકોને ૨૦૨૫ની તારીખ મળી રહી છે.

આ સમસ્‍યાને કારણે સૌથી વધારે નુકસાન તે પરિવારોને થઈ રહ્યું છે જેમના બાળકો વિદેશમાં સેટ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં રહેતા ૩૦ વર્ષીય ધ્રુમિલ ઠાકરને પણ નવેમ્‍બર ૨૦૨૪ના વિઝા અપોઈન્‍ટમેન્‍ટ મળી છે. તે જણાવે છે કે, મારો ભાઈ અમેરિકામાં છે અને હું તેને મળવા માટે આતુર છું. પરંતુ હવે સ્‍થિતિ એવી થઈ ગઈ છે કે અમેરિકા ટ્રાવેલ કરવું એ માથાભારે અને પડકારજનક કામ લાગે છે.

વિઝા કન્‍સલ્‍ટન્‍ટ રિતેશ દેસાઈ જણાવે છે કે, લોકો માટે વિઝા અપોઈન્‍ટમેન્‍ટ મેળવવી એ કષ્ટદાયક કામ બની ગયું છે. વિદ્યાર્થીઓએ પણ આ સમસ્‍યાનો સામનો કરવો પડ્‍યો હતો, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓને એક મહિનામાં તારીખ મળી ગઈ હતી. ટ્રાવેલ વિઝા મેળવવા માટે બે વર્ષની રાહ જોવી એ ખરેખર અવિશ્વસનીય છે. અમે આ જ કારણોસર વિઝિટર વિઝાના ક્‍લાયન્‍ટ્‍સ લેવાનું જ બંધ કરી દીધું છે.

(10:15 am IST)