News of Tuesday, 29th November 2022
વડોદરા-સુરતમાં રેલીમાં આપ-ભાજપ સમર્થકો વચ્ચે દંડાવાળી : ઝંડાવાળી લાકડીથી ફટકાર્યા
અમદાવાદ,તા.૨૯ : ગુજરાતની આ ચૂંટણી કોઈક નવો રંગ પકડી રહી છે. આજદીન સુધી ન થઈ હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા અને સુરતમાં આપની રેલીઓમાં જબરદસ્ત બબાલો થઈ છે. સુરતમાં તો મોદી મોદી ના નારા લગાવનારને દંડા પડ્યા છે. ભાજપ અને આપના સમર્થકો આમને સામને આવી જતાં બંને બાજુ દંડાવાળી થઈ છે. તો વડોદરામાં ભગવંત માનની રેલીમાં પણ બબાલ થતાં રહી ગઈ હતી. આપ અને ભાજપના સમર્થકોએ સામસામે નારા લગાવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આખરે આપે રેલીને આટોપી લીધી હતી પણ સુરતમાં મોટી બબાલ થઈ હતી. વરાછામાં કેજરીવાલની ગાડી પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આમ આપ અને ભાજપ વચ્ચેની ખાઈ વધી રહી છે.
(11:47 am IST)