અમદાવાદના ત્રાગડ ગામથી ગાર્ડન સીટી જવાના રસ્તે હિટ એન્ડ રન:દાદીનું મૃત્યુ
અમદાવાદ: ત્રાગડ ગામથી ગોદરજે ગાર્ડન સીટી તરફ જતા ભગવતી મેરેજ પાર્ટી પ્લોટ પાસે સોમવારે સવારે ૭ વાગ્યે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ઈનોવા કારના ચાલકે પેન્ડલ રીક્ષાને ટક્કર મારતા અંદર બેઠેલી ચાર માસની પૌત્રી, બે વર્ષનો પૌત્ર અને દાદી હવામાં ફંગોળાયા અને ઝાડીઓમાં જઈ પડયા હતા. અકસ્માતની આ ઘટનામાં દાદીનું મોત નિપજ્યું તેમજ બંને બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલક ફરાર થઈ જતા એલ ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના અને ચાંદખેડામાં માનસરોવર રોડ પર કાચા છાપરામાં રહેતો વનારામ મીઠારામ વાદી (ઉં,૨૬) સોમવારે સવારે ૭ વાગ્યે પોતાની પેન્ડલ રીક્ષામાં ૬૦ વર્ષીય માતા મમકીબહેન, બે વર્ષનો પુત્ર આયુ અને ચાર માસની પુત્રી દિકરી લક્ષ્મીને બેસાડીને ત્રાગડ ગામથી ગોદરેજ ગાર્ડન સીટી તરફ પ્લાસ્ટીક વીણવા માટે જતો હતો. વનારામ ભગવતી મેરેજ પાર્ટી પ્લોટ પાસે પેન્ડલ રીક્ષા ઉભી રાખીને પેશાબ કરવા માટે નજીકની ઝાડીઓમાં ગયો હતો. તે સમયે પુરઝડપે અને બેફામપણે દોડતી ઈનોવા કાર ત્રાગડ ગામ તરફથી આવી હતી. કારના ચાલકે વનારામની પેન્ડલ રીક્ષાને ટક્કર મારતા અંદર બેઠેલા વનારામના બે માસૂમ બાળકો અને માતા હવામાં ફંગોળાઈને ઝાડીઓમાં જઈ પડયા હતા. અકસ્માત કરનાર કાર ચાલક સ્થળ પરથી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો.