ગુજરાત
News of Thursday, 30th June 2022

કાલથી ૩ દિ' દે ધનાધન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-દ.ગુજરાતમાં આગાહી

બંદરો ઉપર ૩ નંબરના સિગ્નલઃ તોફાની પવન સાથે દરિયામાં ૧૦થી ૧૨ ફૂટના મોજા ઉછળ્‍યાઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ,તા.૩૦:ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્‍તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે ૩ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે નવસારી, વલસાડ અને દિવમાં તેમજ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના કેટલાંક જિલ્લામાં પણ તેમજ ૨ જુલાઇએ દાહોદ, મહીસાગર, છોટાઉદ પુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્‍યારે ૩ જુલાઇએ બનાસકાંઠા, પાટણ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, કચ્‍છમાં વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૪૧ તાલુકામાં સૌથી વધુ વરસાદ  વલસાડમાં સવા ૬ ઈંચ નોંધાયો. જ્‍યારે  પારડીમાં ૩.૫ ઈંચ, મહુવામાં સવા ૨ ઈંચ ગારિયાધારમાં ૨ ઈંચ, વાપીમાં પોણા ૨ ઈંચ, હાંસોટમાં ૧.૫ ઈંચ, હાલોલમાં ૧.૫ ઈંચ વરસાદ, માંગરોળમાં સવા ઈંચ, ધરમપુરમાં ૧ ઈંચ  વરસાદ જ્‍યારે ઓલપાડમાં ૧ ઈંચ, કપરાડામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો.

આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકિનારે ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્‍યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી. હજુ આગામી ૪ દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શકયતા સેવાઇ રહી છે.આથી મત્‍સ્‍ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ૧૦થી ૧૨ ફૂટના મોજા ઉછળ્‍યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્‍યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્‍યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્‍યા હતા. ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ ૩ નંબરનું સિગ્નલ આપતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. આ સાથે ૪૦થી ૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. રાજ્‍યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર ૩ નંબરના સિગ્નલ આપી દેવાયા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઇ છે.

(2:58 pm IST)