ગુજરાત
News of Friday, 30th September 2022

વડોદરાના વેમાલીમાં જૈન મંદિરમાં 4.40 લાખની કિંમતની થાળી ઉઠાવી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામ્યો

 વડોદરા: વેમાલીમાં સન્મતિપાર્ક સોસાયટીમાં આવેલા જૈન મંદિરમાં રૃા.૪.૪૦ લાખ કિંમતની ચાંદીની નાની-મોટી સાત થાળી અને એક્ટિવા લઇને મંદિરમાં સેવા-પૂજા કરતો પૂજારી ફરાર થઇ જતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

વેમાલીમાં સન્મતિપાર્ક સોસાયટીમાં રહેતા રાકેશ ભરતકુમાર જૈને પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી સોસાયટીમાં આવેલ શ્રી ૧૦૦૮ આદિનાથ દિગંબર જૈન ચૈત્યાલયના ટ્રસ્ટી તરીકે હું સેવા આપું છું મારા ભાઇ પાસે એક્ટિવા છે જે અમે બંને ચલાવીએ છીએ જેથી એક્ટિવાની ચાવી સિક્યુરિટિ કેબિનમાં જ હોય છે. જૈન મંદિરમાં નરેશભાઇ જૈન પૂજારી તરીકે સેવા આપે છે.

સવા વર્ષ પહેલાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કણબા ગામમાં રહેતો નિલેશ રાજેન્દ્રકુમાર જૈન મારી પાસે આવ્યો હતો અને તેને ડ્રાઇવિંગની નોકરી આપી ફ્લેટમાં જ તેને રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. તા.૧૬ સપ્ટેમ્બરના રોજ પૂજારી નરેશ જૈનના સંબંધીનું મૃત્યુ થયું હોવાથી તેને મંદિરમાં પૂજા કરવાની ના પાડી હતી. બાદમાં ડ્રાઇવિંગ તરીકે કામ કરતા નિલેશને સેવાપૂજાનું કામ આવડતું હોવાથી તેને સવાર-સાંજ પૂજા કરવાનું સોંપ્યું હતું.

તા.૨૦ની સવારે છ વાગે હું મંદિરમાં ગયો ત્યારે મંદિરનો દરવાજો બંધ હતો જેથી સિક્યુરિટિ પાસે તપાસ કરાવતા તે તેના ફ્લેટમાં પણ ન હતો અને બાદમાં મંદિર ખોલાવતા તેમાંથી પૂજાપાઠ માટે રૃા.૨.૪૦ લાખ કિંમતની ૩૮૬૨ ગ્રામ બે મોટી ચાંદીની થાળી અને રૃા.૨ લાખ કિંમતની ૨૮૯૮ ગ્રામ પાંચ નાની થાળી તેમજ એક્ટિવા ગૂમ જણાયા હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)