ગુજરાત
News of Friday, 30th September 2022

અંબાજી ખાતે વડાપ્રધાન મોદીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરસમાંથી નકશીકામ કરેલ કલ્પવૃક્ષની ભેટ અર્પણ કરી

SAPTI દ્વારા આરસનું નકશીકામ કરીને કલ્પવૃક્ષની ભેટ બનાવવામાં આવી

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુજરાતને અનેકવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. નરેન્દ્રભાઈ મોદીએ આજે શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો. અંબાજી ખાતે યોજાયેલી સભામાં નરેન્દ્રભાઈ  મોદીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે એક ખાસ કલ્પવૃક્ષની ભેટ અર્પણ કરી હતી. કલ્પવૃક્ષ આરસના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ કલ્પવૃક્ષ સાપ્તી (સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ - SAPTI) સંસ્થા સાથે જોડાયેલ શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ કલ્પવૃક્ષ બનાવવામાં આવ્યું છે.

કલ્પવૃક્ષ વિશેઃ
દૈવી ઈચ્છા પૂરી કરતું કલ્પવૃક્ષ એ સમુદ્રમંથનમાંથી મળી આવેલ મહત્વનું ધાર્મિક પ્રતિક છે, જેના પ્રત્યે હિન્દુ, જૈન અને બૌદ્ધ અનુયાયીઓ શ્રદ્ધા અને આદર ધરાવે છે. સનાતન કાળથી સાંસારિક અને આધ્યાત્મિક ઈચ્છાઓની પૂર્તિ દ્વારા કલ્પવૃક્ષે જીવનની સમતુલા જાળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું માનવામાં આવે છે. આજના કાળમાં પણ કલ્પવૃક્ષ પર્યાવરણની સમસ્યા અને વન્ય સંપત્તિની જાળવણી માટે જાગૃતિ ઉભી કરવા માટે વૈશ્વિક રીતે સુસંગત છે.
અંબાજીના નવીનીકરણ અને સુશોભનમાં સાપ્તીનું યોગદાનઃ
યાત્રાધામ અંબાજીનું નવીનીકરણ અને સુશોભન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના સ્વપ્નને મૂર્તિમંત સ્વરૂપ આપતા સાપ્તી અંબાજી દ્વારા આ સુશોભનમાં વિશેષ યોગદાન આપવામાં આવી રહ્યુ છે. સાપ્તી અંબાજી ખાતે સીમ્પોઝીયમની અનોખી શૃંખલા એટલે કે ‘શિલ્પોત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય પરિષદમાં દેશના વિવિધ રાજ્યોમાંથી દેશના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારો ઉપરાંત ઉભરતા શિલ્પકારોને પણ તેમની પ્રતિભા દર્શાવવાનો મંચ પૂરો પાડવામાં આવે છે. શિલ્પોત્સવ હેઠળ અત્યાર સુધી ત્રણ પરિષદ યોજાઈ ચુકી છે, જેમાં 50 જેટલા શિલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજી અને ગબ્બર હિલ વિસ્તારની નજીકના આઉટડોર સ્થળોને સુશોભિત કરવા માટે આ પથ્થરના શિલ્પોને વિવિધ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ અદ્ભુત પથ્થર શિલ્પો અંબાજીને પથ્થર કળાના વ્યાપક કેન્દ્ર તરીકે તેમજ અંબાજીના પર્યટનને વેગ આપવાની સાથે પ્રવાસીઓ-ભક્તોને ગુજરાત તથા અંબાજીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભ સાથે જોડશે.
નરેન્દ્રભાઈ  મોદીનું વિઝનઃ આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (SAPTI) ની સ્થાપનાઃ
ગુજરાત શિલ્પકળાના ભવ્ય વારસાની સાથે પથ્થરની કુદરતી ખાણોથી સમૃદ્ધ છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો માર્બલ તથા ગ્રેનાઈટ તેમજ સુરેન્દ્રનગર જીલ્લાનો ધ્રાંગધ્રા તાલુકો સેન્ડસ્ટોન માટે પ્રખ્યાત છે. રાજ્યના પથ્થરકળા ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરી શિલ્પકામના આ મૂલ્યવાન વારસાને આગળ ધપાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ઉત્તર ગુજરાતમાં અંબાજી અને સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા ખાતે સાધનોથી સુસજ્જ શિલ્પ સંકુલ શરૂ કરવાની પરિકલ્પના કરી હતી. પરંપરાગત રીતે પથ્થર કળા કારીગરી સાથે સંકળાયેલા સમુદાયોમાં આજીવિકા વધારવા તેમજ પથ્થર શિલ્પકળાના વ્યવસાયને પ્રોત્સાહન આપી કુશળ કારીગરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ હેઠળ કમિશનર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી દ્વારા વર્ષ 2009 માં સાપ્તીની સ્થાપના કરવામાં આવી હતી. સાપ્તીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવા માટે વિવિધ પ્રકારના નવા અભ્યાસક્રમ લાગુ કરવામાં આવેલ છે અને શિલ્પકળા અને ડિઝાઈન ક્ષેત્રના અનુભવી ફેકલ્ટીઝની નિમણૂક કરવામાં આવી છે.

(8:53 pm IST)